નાઈરોબીઃ કેન્યામાં નાઈરોબીસ્થિત શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મેથી 31 મે 2026 સુધી 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અયપ્પા મંદિર 24 વર્ષના ગાળામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતીક તરીકે સમર્પણ, સેવા, પરંપરા અને સંસ્કૃતિની જાળવણી અને સામુદાયિક સોહાર્દનું સ્થાન બની રહ્યું છે. આ ઉજવણીનો આરંભ મંદિરની ધ્વજાના આરોહણ સાથે કરાયો હતો.
સમગ્ર સપ્તાહ દરમિયાન, વેદિક પરંપરાઓ અનુસાર દૈનિક પૂજાવિધિઓ, હોમ-હવન, શાસ્ત્રીય નૃત્યો સહિત સાંસ્કૃતિક પરફોર્મન્સીસ અને ચેરિટેબલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો તેમના પરિવારો સાથે ભગવતી સેવા સહિત પરંપરાગત પૂજાવિધિઓમાં ઉપસ્થિત રહ્યા હતા. દીપકની હારમાળા અને પવિત્ર મંત્રોચ્ચારથી વાતાવરણ આધ્યાત્મિક અને પવિત્ર બની રહ્યું હતું. ડ્રમ્સ અને પરંપરાગત વાદ્યોના જોશપૂર્ણ અવાજ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સેંકડો ભક્તો સામેલ થયા ત્યારે નાઈરોબીમાં કેરાલા મંદિરના ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. ભક્તજનોએ ભક્તિભાવપૂર્વક સાથે મળીને અયપ્પા દેવની દિવ્ય ઉપસ્થિતિ સાથેનો સુંદર રીતે શણગારાયેલો રથ ખેંચ્યો હતો. ધ્વજાસ્તંભમ પરથી પવિત્ર ધ્વજને નીચે ઉતારવાની વિધિ સાથે વાર્ષિક ઉજવણીનું સમાપન કરાયું હતું.


