સમગ્ર વિશ્વમાં ભજન, ભોજન અને ભરોસાનો સંદેશ પ્રસરાવનાર સંત શ્રી જલારામ બાપાના સંદેશને અનુસરીને અનેક માનવતાપૂર્ણ પ્રવૃત્તિઓ કરી રહેલા અનેક મંદિરો પૈકીનું એક મંદિર એટલે, બ્રિટનના લેસ્ટર શહેરના પ્રવેશદ્વારે આવેલું શ્રી જલારામ મંદિર છે. આ મંદિરના રજત જયંતી મહોત્સવની ઉજવણી કોરોના કાળમાં પણ માનવતાના અને ભક્તિ ભજનના કાર્યો થકી વર્ચ્યુઅલરૂપે થતી રહી. આ ઉજવણીના સમાપન રૂપે જલારામ મંદિર દ્વારા સોલા ભાગવત અમદાવાદની પવિત્ર ભૂમિ પર શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 21 થી 27 સપ્ટેમ્બર 2021 દરમિયાન કરાયું હતું.
પૂજ્ય કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજીના પ્રપૌત્ર અને પૂજ્ય ભાગવત ઋષિ શાસ્ત્રીજીના પુત્ર શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રીજીએ ભાવવાહી સ્વરમાં રજુ કરેલી શ્રીમદ્ ભાગવતની કથાને કોવીડ ઞાઈડલાઈન્સને અનુરૂપ રૂબરૂમાં અને આસ્થા ટીવીના માધ્યમથી worldwide પ્રસારણ રૂપે ભક્તોએ કથા શ્રવણનો આનંદ પ્રાપ્ત કરેલ.
મૂળ માન્ઝા આફ્રિકાના અને હવે બ્રિટન સ્થિત રુપારેલીયા પરિવારના સ્વર્ગસ્થ શ્રી સુનીલભાઈ લક્ષ્મીદાસ જીવણ રૂપારેલીયા અને સ્વર્ગસ્થ અસ્મિતાબેન સુનિલ રૂપારેલીયા ના સ્મરણમા યોજાયેલી આ કથાના યજમાન હતા સન્ની રૂપારેલીયા અને મીરા રુપારેલીયા. સન્ની અને મીરા સાથે તેમની પુત્રી રૂહાની દૈનિક પૂજાવિધિમાં જોડાઈ હતી. પારિવારિક સદસ્યો તથા અન્ય મહાનુભાવો કથા શ્રવણમાં જોડાયા હતા. પરિવારના અન્ય સભ્યો સર્વશ્રી સાન્વીકા, આયુષી, રવિ, સુરી, જસુ બહેન તથા અન્ય કથામાં વર્ચ્યુઅલ જોડાયા હતા.
શ્રી જલારામ મંદિર ના ટ્રસ્ટી ચેરમેન શ્રી પ્રમોદભાઈ ઠક્કરે કથા સ્થળ પર હોવાનો આનંદ પ્રગટ કરીને કહ્યું હતું કે પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, દાદાજીએ લેસ્ટર જલારામ મંદિરનુ ભૂમિ પૂજન અને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. તેમની ચોથી પેઢીના યુવાન કથાકાર શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રીજીની શ્રીમદ ભાગવત કથા રજત જયંતી પર્વે યોજાઈ રહી છે એનો આનંદ છે. તેઓએ વીતેલા એક વર્ષમાં મંદિર દ્વારા કરવામાં આવેલા માનવતાના, ભક્તિ અને ભજનના કાર્યક્રમોની વિગતો આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી જલારામ મંદિર લેસ્ટરના ટ્રસ્ટીશ્રીઓ, વોલેન્ટિયસૅ, પૂજારી શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા તથા શ્રી રાજુભાઈ પંડ્યા, શ્રી હેમંતભાઈ સુરૈયા અને તુષાર જોષીના સહયોગથી covid 19 ના સમયમાં સોશિયલ મીડિયા થકી અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન અમે કરી શક્યા છીએ.
ઉલ્લેખનીય છે કે જલારામ મંદિરના પૂર્વ ટ્રસ્ટી શ્રી શાંતિભાઇ ઠક્કરની ચોથી પેઢીમા રૂહાની પણ આ આયોજનમાં અહીં ઉપસ્થિત હતી. આમ આયોજન અને કથા વાંચન બંનેમાં આ અવસરે ચોથી પેઢી સમર્પિત હતી. કથા આરંભે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી કડી અમદાવાદ, અને શ્રી ભાગવત ઋષિએ આશિર્વચન પાઠવ્યા હતા. કથા દરમિયાન અનુપમ મિશન મોગરી ના સંતો, કબીર આશ્રમ પાલનપુરના સરલાબહેન સોમાણી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.કથાના વિરામના દિવસે પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઇ ઓઝાએ વર્ચ્યુઅલ આશિર્વચન પાઠવ્યા હતા.
રસરાજ પ્રભુના દિવ્ય સાનિધ્યે શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીજીએ ભાગવત ગ્રંથનો મહિમા, શ્રી કૃષ્ણ ચરિત્ર, વર્તમાન સમયે કૃષ્ણનો જીવન સંદેશ અને ઉત્સવોને ગુજરાતી અંગ્રેજી ભાષામાં કથા પ્રવાહમાં રસપૂર્વક પ્રસ્તુત કરીને આનંદ અને પ્રસન્નતાનું વાતાવરણ સર્જ્યું હતું.