શ્રીલંકામાં હનીમૂને નવોઢા પત્નીનો જીવ લીધોઃ પતિને દેશ છોડવાની મનાઈ

લગ્નના એક મહિનામાં ઉશૈલાનું ડીહાઈડ્રેશન અને લોહીની ઉલટીના લીધે મૃત્યુઃ પતિ ખિલન પર કોઈ આરોપ નથી કે તેની ધરપકડ પણ કરાઈ નથી

Thursday 16th May 2019 01:38 EDT
 
 

લંડનઃ હનીમૂન પર વિદેશ ગયેલા નવદંપતીમાંથી નવોઢા પત્નીનું મોત થાય અને પતિને સ્વદેશ ફરવાની પરવાનગી ન અપાય તે વિચિત્ર લાગે પરંતુ, નોર્થ લંડનના બ્રેન્ટના નિવાસી ખિલન ચંદેરિયા અને ઉશૈલા પટેલની આવી જ કહાણી છે. આ બંનેના લગ્ન ‘ગુડ ફ્રાઈડે’ ૧૯ એપ્રિલે થયાં હતાં અને ૨૩ એપ્રિલે તેઓ હનીમૂન માટે શ્રીલંકાના પ્રવાસે ગયાં હતાં. દંપતી શ્રીલંકાથી માલદીવ્સ જવાના હતા. હનીમૂન દરમિયાન જ દંપતીને ફૂડપોઈઝનિંગ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ઉશૈલાનું ડીહાઈડ્રેશન અને લોહીની ઉલટીના લીધે મૃત્યુ થયું હતું. ખિલન ચંદેરિયાને ભારે આઘાત લાગવાની અન્ય ઘટનામાં શ્રીલંકાની પોલીસે તેને દેશમાંથી બહાર જવાની મનાઈ ફરમાવી દીધી છે. ફોરેન ઓફિસ આ બાબતે શ્રીલંકાના સત્તાવાળાના સંપર્કમાં છે અને ચંદેરિયાની મદદ કરી રહી છે.

નોર્થ લંડનના બ્રેન્ટમાં લગ્ન પછી નવદંપતી બે સપ્તાહના ૬,૬૦૦ પાઉન્ડના હનીમૂન પ્રવાસ માટે શ્રીલંકા જવા રવાના થયાં હતાં. તેઓ તટવર્તી નગર ગાલેની અમારી હોટેલમાં રોકાયાં હતાં. ચંદેરિયાને રૂમમાં ખરાબ વાસ આવતાં મેનેજમેન્ટને તેની ફરિયાદ કર્યાથી કલીનરે સફાઈ કરી હતી. આ પછી, દંપતીએ સેન્ડવિચ અને ચિપ્સ ખાધાં હતાં. થોડી જ વારમાં બંનેની તબિયત બગડી હતી. ચંદેરિયાના જણાવ્યા અનુસાર તેમને અને પત્ની ઉશૈલાને તાવ તેમજ લોહીની ઉલ્ટીઓની ફરિયાદ હતી. મોડી રાતના ત્રણ વાગ્યે મદદનો ફોન કરતા હોટેલનો સ્ટાફ વ્હીલચેર લઈને આવ્યો હતો અને તેમને કો-ઓપરેટિવ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઉશૈલાની હાલત વધુ ખરાબ થતાં કારાપિટિયા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

પત્ની ઉશૈલાનું મોત થયું છે અને વધુ પરીક્ષણો કરવામાં ન આવે ત્યાં સુધી પોલીસે પતિ ખિલનને દેશ છોડવાની મનાઈ ફરમાવી છે. પતિ ખિલન પર કોઈ આરોપ લગાવાયો નથી કે તેની ધરપકડ પણ કરાઈ નથી. ખિલન ચંદેરિયાએ જણાવ્યું હતું કે, ‘સત્તાવાળા મને ગુનેગાર ગણતા નથી કે વિક્ટિમ પણ ગણતા નથી. હું તો રાત્રે તારા નિહાળું છું ત્યારે ઉશૈલા સાથે વાતો કરું છું. અમારે તો આજીવન સાથે રહેવાનું હતું. હું તેને અહીં છોડીને જવા માગતો પણ નથી.’

અમારી હોટેલના અગાઉના રીવ્યૂઝમાં ફૂડ પોઈઝનિંગનો ઉલ્લેખ કરાયો છે પરંતુ, હોટેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગયા જ મહિને ફૂડ સેફ્ટી માટે તેમની હોટેલનો સારો ઉલ્લેખ કરાયો હતો. તેણે એમ પણ કહ્યું કે દંપતીએ રુમમાં જ ખાધું હતું અને બહારથી પણ લાવેલી આઈટમ્સ ખાધી હતી, જે પોલીસ તપાસકારોને સુપરત કરાઈ હતી. જોકે, આ શું વસ્તુઓ હતી તે તેણે જણાવ્યું ન હતું.

ચંદેરિયાની માતાએ જણાવ્યું હતું કે, ‘ખિલન હજુ શ્રી લંકામાં જ છે, તેની તબિયત પણ ખરાબ છે. મારાં પતિ તેની પડખે ઉભા રહેવા ત્યાં ગયા છે.’ ઉશૈલા પટેલનાં પેરન્ટ્સે જણાવ્યું હતું કે‘ બે સ્વસ્થ વ્યક્તિ લગ્ન કરી હનીમૂન માણવા ગયા હતા અને થોડાં દિવસમાં તો અમારી પુત્રી અમને છોડીને ચાલી નીકળી. સાતમા આસમાનેથી જીવતાં નર્કમાં મૂકી ગઈ. અમારી પુત્રીને છેલ્લી વખત જોવાની ઈચ્છા છે.’ ઉશૈલાના પડોશીઓના જણાવ્યા અનુસાર તેનો પરિવાર કદાચ શ્રી લંકા ગયો હોઈ શકે.

૩૩ વર્ષીય ખિલન ચંદેરિયા અને તેમની ૩૧ વર્ષની મસાજ થેરાપિસ્ટ પાર્ટનર ઉશૈલા પટેલની મુલાકાત ડેટિંગ એપ ટિન્ડર પર થઈ હતી. તેમનું ડેટિંગ અઢી વર્ષ ચાલ્યા પછી ચંદેરિયાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ૧૯ એપ્રિલે તેઓ લગ્નબંધનમાં બંધાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter