કમ્પાલાઃ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કેબિનેટ ફેરબદલમાં સંજય તન્નાની નિયુક્તિ દેશના નવા ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્ઝના મિનિસ્ટર તરીકે કરી છે. સંજય તન્ના દેશની આર્થિક લિડરશિપના કેન્દ્રમાં રહેલા અને પૂર્વ યુગાન્ડાના સૌથી વગશાળી બિઝનેસમેન, ફિલાન્થ્રોપિસ્ટ્સ અને પોલિટિકલ મોબિલાઈઝર્સમાં એક છે. તેઓ દાયકાઓથી કોર્પોરેટ સર્કલ્સમાં ખૂબ સન્માનીય બિઝનેસમેન, શાસક વહીવટમાં વિશ્વસનીય રાજકીય રણનીતિકાર તરીકે યુગાન્ડાના જાહેર જીવનમાં દુર્લભ સ્થાન ધરાવે છે.
સંજય તન્નાની નિયુક્તિ રાજકારણ અને અર્થતંત્રથી પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેઓ પ્રેસિડેન્ટ મુસેવેની હેઠળની કેબિનેટમાં એશિયન મૂળના પ્રથમ યુગાન્ડન બન્યા છે, જે યુગાન્ડાના બદલાઈ રહેલા રાજકીય ફલક તેમજ દેશના સૌથી ખરાબ સમયગાળામાં પણ યુગાન્ડા સાથે જોડાઈ રહેલા પરિવારની નોંધપાત્ર કથાને પ્રતિબિંબિત કરે છે. ઈદી અમીનના સમયમાં એશિયનોની 1972માં કરાયેલી હકાલપટ્ટી દરમિયાન પણ દેશમાં રહેલા નાની સંખ્યાના એશિયન-યુગાન્ડન પરિવારોમાં તન્ના પરિવારનો પણ સમાવેશ થાય છે. દેશના આર્થિક વિકાસમાં દીર્ઘકાલીન યોગદાન અને બિઝનેસ સિદ્ધિઓ માટે યુગાન્ડામાં તન્ના પરિવાર વ્યાપક આદર ધરાવે છે. બિઝનેસ નેતૃત્વ તેમજ શિક્ષણ, હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોમ્યુનિટી કામગીરી માટે પ્રખ્યાત સંજય તન્નાએ હવે સરકારમાં ચાવીરૂપ ભૂમિકા સંભાળી છે.
એપ્રિલ 27, 1973ના દિવસે જન્મેલા સંજય તન્નાની સ્ટોરી 1986 પછીના પ્રાઈવેટ સેક્ટર અર્થતંત્રના ઉદય સાથે ગાઢપણે સંકળાયેલી છે. તેઓ પ્રખ્યાત તન્ના પરિવારમાંથી આવે છે, પરંતુ તેમનો ઉદય કદી તેમને હસ્તક સોંપી દેવાયો નથી. પોલિટિક્સમાં પ્રવેશ પહેલા જ તેમણે ટ્રેડ અને માર્કેટ્સની વિશદ સમજ ધરાવતા મહેનતુ વ્યક્તિ તરીકેની પ્રતિષ્ઠા હાંસલ કરી હતી. કિટાન્ટે પ્રાઈમરી સ્કૂલ અને પાછળથી માકેરેરે કોલેજ સ્કૂલમાં અભ્યાસ કરતા ટીનેજર તરીકે તેમણે શાળાના વેકેશનનો ઉપયોગ કમ્પાલા અને ટોરોરો વચ્ચે સપ્લાય જાળવી રાખવામાં મદદ કરવામાં કર્યો હતો.
1990ના દાયકાની શરૂઆતમાં તેમના મોટાભાઈના અવસાન પછી તન્નાએ યુનિવર્સિટી અભ્યાસ માંડી વાળી પરિવારના બિઝનેસના પુનર્ગઠન અને વિસ્તરણમાં જાતને ખૂંપાવી દીધી. તેમની રાહબરી હેઠળ કરિયાણા, મીઠાં, ઘરેલુ સામાન અને સામાન્ય ચીજવસ્તુના વેચાણનો આ બિઝનેસ ઝડપથી ઈસ્ટર્ન યુગાન્ડાના સૌથી મજબૂત કોમર્શિયલ નેટવર્ક્સમાં એક તરીકે સ્થાપિત થયો. તેમણે મેન્યુફેક્ચરિંગ, ફ્યૂલ અને પેટ્રોલિયમ ડિસ્ટ્રિબ્યુશન, હોસ્પિટાલિટી અને રીઅલ એસ્ટેટ, એગ્રીકલ્ચર અને કોમોડિટી ટ્રેડિંગ, ટેલિકોમ્યુનિકેશન્સ ડિસ્ટ્રિબ્યુશન, ટ્રાન્સપોર્ટ અને રીજિઓનલ લોજિસ્ટિક્સ સાથે વૈવિધ્યપૂર્ણ બિઝનેસ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. કોકા-કોલા કંપની, નાઈલ બ્રુઅરીઝ, મુક્વાનો ગ્રૂપ, ક્રાઉન બીવરેજીસ અને યુનિલિવર જેવી મોટી કંપનીઓ પૂર્વ યુગાન્ડામાં ડિસ્ટ્રિબ્યુશન કામગીરી માટે તન્ના નેટવર્ક પર આધાર રાખતી હતી.
બિઝનેસ અને રાજકારણથી પણ અલગ સંજય તન્નાની પરોપકારી તરીકેની પણ છબી લોકમાનસમાં વસેલી હતી. નોકરશાહીના કારણે ટલ્લે ચડતા ઈલેક્ટ્રિક એક્સ્ટેન્શન સહિતના લોકોપયોગી પ્રોજેક્ટ્સ સંજય તન્નાએ ખુદ ફાઈનાન્સ કર્યા હતા. હોસ્પિટલ વોર્ડ્સમાં પથારીઓ અને તબીબી સાધનો, વંચિત પરિવારોના મેડિકલ્સ બિલ્સ તેમજ શાળાના વિદ્યાર્થીઓને સ્પોન્સરશિપ અપાતી હતી. ટોરોરોમાં તન્ના મેમોરિયલ સ્કૂલમાં સેંકડો બાળકોને સબસિડાઈઝ્ડ અને ઘણા કિસ્સામાં મફત શિક્ષણ અપાતું હતું. અનેક ગામોમાં બ્રીજિસ, બોરહોલ્સ, અને કોમ્યુનિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પાછળ પણ તન્નાની દરમિયાનગીરી આગળ પડતી રહી હતી. તેમણે ગંભીર બીમાર બાળકોને ભારતમાં હાર્ટ સર્જરી કરાવવામાં પણ યોગદાન આપેલું છે.
સંજય તન્ના દાયકાઓથી નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ અને પ્રેસિડેન્ટ મુસેવેનીના આર્થિક પરિવર્તનના વિઝન સાથે સંકળાયેલા છે. તેઓ 2006માં ટોરોરો મ્યુનિસિપાલિટી પાર્લામેન્ટરી બેઠક પર સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીતીને ચૂંટણીલક્ષી રાજકારણમાં સામેલ થયા હતા. તેમણે 2011માં આ બેઠક જાળવી હતી અને 2016 સુધી બે સતત ટર્મ સુધી સેવા કરી હતી. સંજય તન્નાએ 2020માં ઈસ્ટર્ન યુગાન્ડામાં NRM નેશનલ વાઈસ ચેરપર્સન તેમજ 2025માં NRM એન્ટ્રેપ્રીન્યોર્સ લીગના નેશનલ ચેરપર્સનના હોદ્દાઓ માટે પણ ઉમેદવારી કરેલી છે. આ અભિયાનોએ તેમના પ્રભાવમાં ભારે વધારો કર્યો હતો.


