નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રસિદ્ધ કવિ-ગીતકાર ગુલઝાર અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર-2023 સન્માનિત કર્યા હતા. ‘ગુલઝાર’ નામથી વિખ્યાત સંપૂર્ણસિંહ કાલરા હિન્દી સિનેમામાં પોતાના કામ માટે જાણીતા છે અને આ યુગના શ્રેષ્ઠત્તમ ઉર્દૂ કવિઓ પૈકીના એક છે. જોકે, ગુલઝાર આરોગ્ય સંબંધિત સમસ્યાઓના કારણે સમારોહમાં હાજરી આપી શક્યા નહોતા.
ચિત્રકૂટના તુલસી મઠના સંસ્થાપક અને પ્રમુખ 75 વર્ષીય રામભદ્રાચાર્ય પ્રસિદ્ધ હિન્દુ આધ્યાત્મિક વિચારક અને ચાર મહાકાવ્યો સહિત 240થી વધુ પુસ્તકો અને ગ્રંથોના લેખક છે. સંસ્કૃત વિદ્વાનને એક પ્રશસ્તિપત્ર, રોકડ પુરસ્કાર અને વાગ્દવી સરસ્વતીની એક તાંબાની પ્રતિકૃતિ અર્પણ
કરાઇ હતી. સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુએ સંસ્કૃત સાહિત્ય અને સમાજ માટે રામભદ્રાચાર્યના બહુઆયામી યોગદાનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, રામભદ્રાચાર્યજીએ ઉત્કૃષ્ટતાનું પ્રેરક ઉદાહરણ રજૂ કર્યું છે.