નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં સ્વતંત્રતા પર્વે દિલ્હીમાં આપેલા ભાષણથી લઈને ગયા વર્ષે વારાણસીમાં આંખની હોસ્પિટલનાં ઉદ્ઘાટન વખતે આપેલા ભાષણ સુધીનાં 34 ભાષણોનાં સંગ્રહને એક પુસ્તક દ્વારા શબ્દદેહ આપવામાં આવ્યો છે. જેમાં મોદીનાં ભાષણમાં જુદા જુદા સાંસ્કૃતિક વિષયોની ઝલક જોવા મળી રહી છે. ‘સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય’ નામનાં આ પુસ્તકમાં મોદીએ છેલ્લા 10 વર્ષમાં જુદા જુદા પ્રસંગે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, આધ્યાત્મિક મૂલ્યો અને વારસા પર આપેલાં ભાષણોનો સંગ્રહ કરાયો છે. પુસ્તકનું વિમોચન ગયા શુક્રવારે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જૂના અખાડાનાં મુખ્ય આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ હરિવંશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ભાષણોમાં ભારતની સંસ્કૃતિની ઝલક
વડાપ્રધાન મોદીનાં ભાષણોના આ પુસ્તકમાં ભારતની સંસ્કૃતિની વિસ્તૃત શૃંખલા સામેલ છે. જેમાં કેદારનાથ, રામ જન્મભૂમિ, કાશી વિશ્વનાથ ધામ તેમજ ઓમકારેશ્વર જેવા પવિત્ર તીર્થસ્થળોથી લઈને ભગવદ્ ગીતાનાં કેટલાક સંસ્કરણોનું વિમોચન, ગુરુ નાનક જયંતી, વૈશ્વિક બૌદ્ધ સંમેલન, આચાર્ય વિજય વલ્લભ સૂરીશ્વર મહારાજની જયંતી તેમજ વિશ્વ સૂફી સંમેલન પ્રસંગે મોદીએ આપેલા વક્તવ્યને સમાવાયા છે. આ ભાષણો ભારતની જુદી જુદી ધાર્મિક પરંપરાઓમાં ભારતની ઓળખને પ્રતિબિંબિત કરે છે. પરિશિષ્ટમાં આચાર્ય શ્રી પ્રજ્ઞા સાગર મહારાજ અને કાંચી કોમકોટિનાં શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીનાં વિચારોને સામેલ કરાયા છે.