અમદાવાદઃ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણ દાસ સ્વામી અને વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ગયા શનિવારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસાદિક પુષ્પહારથી નરેન્દ્રભાઈનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોવિડ-19ના વિકટ સમયમાં આરંભથી લઈને યૂક્રેન યુદ્ધ સુધી - આજ પર્યંત ચાલી રહેલા રાહત સેવાકાર્યોથી તેમને માહિતગાર કર્યા હતા. જેમાં લાખો દર્દીઓ તથા પરિવારોને સંસ્થા દ્વારા અપાયેલી મેડિકલ સેવા, ખાદ્ય સામગ્રી અને આર્થિક સહાયની વિગતોનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે વડા પ્રધાને પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ દ્વારા કચ્છના ભૂકંપ વેળાએ કરવામાં આવેલા સેવાકાર્યોને યાદ કર્યા હતા. રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધમાં યૂક્રેનની બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બીએપીએસ સંસ્થાએ કરેલા સેવાકાર્યોને પણ તેમણે બિરદાવ્યા હતા.
આગામી ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે ઉજવાનારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંગે પણ તેમણે ઊંડો રસ દાખવ્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજ સાથેના કેટલાક અવિસ્મરણીય સંસ્મરણોને વાગોળતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, તેમની આધ્યાત્મિક પ્રગતિમાં અને તેમના આધ્યાત્મિક વિચારોના ઘડતરમાં પ્રમુખસ્વામી મહારાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં અબુધાબી અને બહેરિન ખાતે બીએપીએસ દ્વારા બંધાઈ રહેલા હિન્દુ મંદિરોની તેમણે સરાહના કરી હતી. એક કલાકથી વધુ સમય માટે ચાલેલી આ શુભેચ્છા મુલાકાતના અંતે સંતો અને વડા પ્રધાને ભગવાન સ્વામિનારાયણ તેમજ મહંત સ્વામી મહારાજની સ્મૃતિ સહિત વિશ્વભરમાં વ્યાપેલા ભારતીયોના સર્વાંગી ઉત્કર્ષ માટે પ્રાર્થના
કરી હતી.