લંડનઃ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF ઈન્ડિયા)ના સહાધ્યક્ષો અમીત જોગીઆ MBE અને રીના રેન્જર OBEએ વિશિષ્ટ સેવા અને નોંધપાત્ર સિદ્ધિઓ સાથે તેમના પાંચ વર્ષના સફળ કાર્યકાળ સમાપ્ત કર્યાં પછી પદત્યાગ કર્યો છે. CF ઈન્ડિયાએ તેમના બે નવા સહાધ્યક્ષો- સાંસદ, પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને પાર્લામેન્ટમાં વરિષ્ઠ કન્ઝર્વેટિવ સભ્ય સર ઓલિવર ડાઉડેન અને બિઝનેસ અગ્રણી અને ફિલાન્થ્રોપિસ્ટ કૂલેશ શાહની નિયુક્તિ કરી છે.
CF ઈન્ડિયાના ઈતિહાસમાં સૌથી સફળ કાર્યકાળોમાં એક આ કાર્યકાળ દરમિયાન અમીત અને રીનાએ લોર્ડ ડોલર પોપટ અને તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરન દ્વારા સ્થાપિત સંસ્થાને મોટાં સંગઠન અને સૌથી સક્રિય કન્ઝર્વેટિવ પાર્ટી ફ્રેન્ડ ગ્રૂપમાં ફેરવી છે. તેમના નેતૃત્વના સમયગાળામાં અભૂતપૂર્વ વિકાસ જોવા મળ્યો હતો અને સભ્યસંખ્યામાં વિક્રમ સર્જાયો હતો (કેટલાકના માનવા અનુસાર રિશિ સુનાકના લીડરશિપ અભિયાનમાં તેનાથી મદદ મળી હતી) અને બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી સાથેના સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી.
તેઓની રાહબરી હેઠળ CF ઈન્ડિયા પ્રાઈમ મિનિસ્ટર્સ અને વરિષ્ઠ રાજકારણીઓથી ભરપૂર કોન્ફરન્સ સમારંભો માટે ખ્યાતનામ બની રહેલ હતું. તેમણે વરિષ્ઠ કેબિનેટ મિનિસ્ટર્સ તેમજ પ્રાઈમ મિનિસ્ટર્સ સાથે સંખ્યાબંધ બહુલક્ષી અને હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ્સનાં સફળ આયોજનો કર્યાં હતાં. જેના થકી, કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય સમુદાય વચ્ચેના સંબંધો વધુ નક્કર બન્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ CF ઈન્ડિયાએ બ્રિટિશ ઈન્ડિયન ડાયસ્પોરાને સંબંધિત નીતિચર્ચાઓ આગળ વધારવા તથા વેસ્ટમિન્સ્ટર અને યુકેના કોમ્યુનિટી નેતાઓ વચ્ચે સેતુનિર્માણ કાર્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓના કાર્યકાળમાં કોમ્યુનિટી સુધી પહોંચવાના સઘન ઈનિશિયેટિવ્ઝ, પોલિસી ફોરમ્સ અને સાંસ્કૃતિક ઊજવણીઓનો સમાવેશ થયો હતો જેનાથી પારસ્પરિક સમજણ અને સહકારમાં વધારો થયો હતો.
સભ્યોને પાઠવેલા સંદેશામાં અમીત અને રીનાએ જણાવ્યું હતું કે ,‘ આ સંગઠનની સેવા કરવાનું અને કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય સમુદાય વચ્ચે અનોખા અને ટકાઉ સેતુની હિમાયત કરવાનું બહુમાન અમને મળ્યું છે. અમે સાથે મળીને જે હાંસલ કર્યું છે તેનો અમને ગર્વ છે. સહાધ્યક્ષ તરીકે અમારાં કાર્યકાળમાં કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય સમુદાયના કેટલાક અસાધારણ વ્યક્તિત્વો સાથે કાર્ય કરવાનો વિશેષાધિકાર અમને સાંપડ્યો હતો.’
CF ઈન્ડિયાએ તેમના બે નવા સહાધ્યક્ષો - સાંસદ, પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને પાર્લામેન્ટમાં વરિષ્ઠ કન્ઝર્વેટિવ સભ્ય સર ઓલિવર ડાઉડેન અને બિઝનેસ અગ્રણી અને ફિલાન્થ્રોપિસ્ટ કૂલેશ શાહની નિયુક્તિ કરી છે. આ બંને સહાધ્યક્ષો સંગઠનના મિશનનો અનુભવ અને પ્રતિબદ્ધતા ધરાવે છે અને તેમના પુરોગામીઓ દ્વારા સ્થાપિત નક્કર પાયા પર આગળ નિર્માણ કરશે. બ્રિટિશ ભારતીય સમુદાયના દીર્ઘકાલીન મિત્ર સર ઓલિવર ડાઉડેને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર, ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ટ સ્પોર્ટ્સ સહિત અનેક ચાવીરૂપ પદ શોભાવ્યા છે. કૂલેશ શાહ સન્માનિત એન્ટ્રેપ્રીન્યોર, હોટેલિઅર અને પરોપકારી વ્યક્તિ હોવા સાથે લંડન ટાઉન ગ્રૂપના સ્થાપક પણ છે. તેઓ બ્રિટિશ ભારતીયાના હિતોની રખવાળીના હિમાયતી છે.