લંડનઃ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં રવિવાર 9 નવેમ્બરે પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાથી છલકાતા વાર્ષિક દિવાળી ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. હર્ટ્સમીઅર, હર્ટફોર્ડશાયર, હેરો અને આસપાસના વિસ્તારોમાંથી પરિવારો, મિત્રો, ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિક મહાનુભાવો એકતા અને સેવાની શક્તિ તેમજ અંધકાર પર પ્રકાશના વિજયની ઊજવણીમાં એકત્ર થયા હતા. સંવાદિતા, ભક્તિ અને સમાવેશિતાથી સર્જાયેલા વાતાવરણને 350થી વધુ મહેમાનોએ સાંસ્કૃતિક ઉત્સવના આનંદ, રચનાત્મક વર્કશોપ્સ અને આધ્યાત્મિક ચિંતન સાથે માણ્યું હતું.
મુલાકાતીઓએ દીવાની બનાવટ અને રંગોળીની કળા, દિવાળીના કાર્ડ બનાવવા, શણગાર અને બાળકોની પ્રવૃત્તિ, સાસ્કૃતિક નૃત્યોની રમઝટ, ભારતીય નાસ્તા અને મીઠાઈઓની બનાવટ સહિતની કામગીરી શીખવા અને જાણવામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. SRMD ગાયકવૃંદ દ્વારા ઉત્સવપૂર્ણ સંગીત અને ભક્તિગીતોથી સેન્ટર ગુંજી ઉઠ્યું હતું. SRMD લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરની ગાઈડેડ ટુર્સ સાથે મુલાકાતીઓને મિશન પાછળના પ્રેરણામૂર્તિ શ્રીમદ રાજચંદ્રજી તેમજ સેન્ટરના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને મિશનના મૂલ્યો અને ઉપદેશો વિશે જાણવાની તક સાંપડી હતી.
હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર યોગેશભાઈ તેલી અને મેયોરેસ નીલાબહેન તેલી, એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડના ડેપ્યુટી મેયર કાઉન્સિલર તુષાર કુમાર, બોરહામવૂડ કેનિલવર્થના કાઉન્સિલર પરવીન રાણી અને કાઉન્સિલર પ્રભાકરભાઈ કાઝા, એલ્સ્ટ્રીના કાઉન્સિલર હાર્વે કોહેન, બોરહામવૂડ હિલસાઈડના કાઉન્સિલર આદિત્ય કાઝા, એજવેરના કાઉન્સિલર નીતિનભાઈ પારેખ, રેનેર્સ લેનના કાઉન્સિલર કૃષ્ણા સુરેશ, બુશી સેન્ટ જેમ્સના કાઉન્સિલર ક્રિસ શેન્ટોન, હેડસ્ટોનના કાઉન્સિલર સાસી સુરેશ સહિત સ્થાનિક અગ્રણીઓ તેમજ કીરિટભાઈ વાડીઆ (ઈન્ટરફેઈથ રિલેશન્સ, BAPS સ્વામિનારાયણ સંસ્થા),બ્રહ્માકુમારીઝ, જીત ધેલરીઆ (જૈન વિશ્વ ભારતીના સહાધ્યક્ષ) અને રાધા મોહન દાસ (ભક્તિવેદાંત મેનોરના કોમ્યુનિકેશન્સ ઓફિસર) સહિત વિવિધ ઈન્ટરફેઈથ અને કોમ્યુનિટી પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઘણા મહાનુભાવોએ શાંત વાતારણમાં સૂર્યસ્નાન અને ધ્યાનસત્રમાં પણ ભાગ લીધો હતો.
ઈવેન્ટની સફળતા વિશે SRMD UKના પ્રેસિડેન્ટ મયૂરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ઈ દિવાલી ઓપન હાઉસ એકતા, કૃતજ્ઞતા અને સેવાની તેજસ્વી અભિવ્યક્તિ હતું. બધા જ માટે આપણા દ્વાર ખોલીને આપણે પ્રકાશનના ઉત્સવને જ નહિ, દરેક વ્યક્તિની અંદર રહેલા પ્રકાશને પણ ઉજવીએ છીએ. SRMD લંડન સાચા અર્થમાં દિવાળીની ભાવનાને વ્યક્ત કરતા મૂલ્યો કલ્યાણ, આધ્યાત્મિક જાગૃતિ અને સામુદાયિક સંપર્કને વિકસાવવા સમર્પિત છે.’
દિવાળી ઓપન હાઉસમાં તહેવારની ઊજવણી ઉપરાંત, SRMD) લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં શારીરિક, સંવેદનાત્મક અને માનસિક સ્વાસ્થ્યને સપોર્ટ કરવા સ્વાસ્થ્યસત્રો, અંગ્રેજી અને ગુજરાતીમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેજીના ઉપદેશોનું ચિંતન, યોગ અને ધ્યાનના વર્કશોપ્સ, બાળકોમાં કરુણા, શિસ્ત અને નૈતિક સ્પષ્ટતા ઉજાગર કરવા મૂલ્ય આધારિત શિક્ષણપાઠો, ઘરવિહોણા લોકો માટે ગરમ ભોજન તૈયાર કરતા રસોઈઘર સહિત કોમ્યુનિટી સર્વિસ પ્રોજેક્ટ સહિતની કામગીરી નિયમિત ધોરણે કરવામાં આવે છે.


