લંડનઃ અનુપમ મિશન દ્વારા ડેનહામમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન સ્વામિનારાયણ મંદિરની ભવ્ય સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દશાબ્દી મહોત્સવની રંગેચંગે ઊજવણી સાથે સીમાચિહ્ન સ્થાપિત કરાયું હતું. પાંચ દિવસની આ ઊજવણીમાં સમર્પણની ભાવના, આનંદોત્સાહ અને સાંસ્કૃતિક ભવ્યતાનો માહોલ છવાયેલો રહ્યો હતો અને બધી કોમ્યુનિટીના ભક્તજનો અને શુભેચ્છકો ભાગ લેવા આવી પહોંચ્યા હતા.
દશાબ્દી મહોત્સવ દરમિયાન શુક્રવાર 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રગૌરવની અભિવ્યક્તિ અને આધ્યાત્મિક સમર્પિતતાના સંમિશ્રણની સાથે ભારતીય સ્વાતંત્ર્યદિનની ઊજવણી પણ વિશેષ બની રહી હતી જેમાં આશરે 800થી 1000 લોકોની મેદનીએ હાર્દિક ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
દશાબ્દી મહોત્સવના ભવ્ય પ્રસંગે હિસ્સો બની રહેવાનો લાભ ABPL ટીમને પણ મળ્યો હતો. પૂજ્ય ગુરુહરિ સંત ભગવંત સાહેબજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં ABPL ટીમને મંચ પર તાજેતરમાં જ લોકાર્પિત કરાયેલા સોવિનિયર ‘સોનેરી સ્મૃતિગ્રંથ-એ ટાઈમલેસ ટ્રેઝર’ની પ્રત સાહેબજીને અર્પણ કરવાનો વિશેષ લહાવો પ્રાપ્ત થયો હતો. પૂજ્ય ગુરુહરિએ ABPL ટીમ અને વ્યાપક કોમ્યુનિટીને આશીર્વાદ પાઠવ્યા તે પળ અવિસ્મરણીય બની રહી હતી. તેમણે સોવિનિયર પર તેમની સહી કરાયેલી ખાસ પ્રત પર સ્વહસ્તાક્ષરે ઉષ્માસભર અને હૃદયસ્પર્શી શબ્દોમાં આશીર્વચન લખ્યા હતા જે અમારા માટે ચિરસ્મરણીય બની રહેશે. આ પ્રસંગ સાચી રીતે જ ભવ્ય ઊજવણીની સાથોસાથ પવિત્ર બની રહ્યો હતો જે ઉપસ્થિત રહેલા તમામ લોકો માટે અનુપમ સ્મરણ બની રહેશે.