આજીવન સેવામૂર્તિ અને સહુના પ્રેરણામૂર્તિ પ્રવીણ લહેરીનો અભિવાદન સમારોહ યોજાયો

Wednesday 30th April 2025 07:21 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત સરકારમાં ચાર દાયકા સુધી વિવિધ હોદા પર રહીને વિશિષ્ટ યોગદાન આપનાર, સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓના રાહબર તથા અનેકવિધ વિષયો પર વિશિષ્ટ ચિંતનાત્મક લેખો અને વક્તવ્યો દ્વારા પ્રજાજીવનમાં જાગૃતિ આણનાર પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ ક. લહેરીનો અભિવાદન સમારોહ ગુરુવારે યોજાયો હતો. સમારોહમાં પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, પ.પૂ. સ્વામી નિખિલેશ્વરાનંદજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રવીણ ક. લહેરીનાં ત્રણ પુસ્તક ‘ગૌરવ ગુજરાતનું’, ‘અંતરંગ’ અને ‘સાંપ્રત સમયનો પડકાર’નું વિમોચન કરાયું હતું.
ગુજરાતના જાહેરજીવનમાં પોતાની વહીવટીય કોઠાસૂઝ દ્વારા બહુમૂલ્ય પ્રદાન આપનાર, પડકારરૂપ પરિસ્થિતિનો સામનો કરીને ચાર દાયકા સુધી ગુજરાત સરકારમાં વિવિધ હોદા પર રહીને વિશિષ્ઠ યોગદાન આપનાર, સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાના રાહબર તથા અનેકવિધ વિષયો પર વિશિષ્ટ ચિંતનાત્મક લેખો અને વક્તવ્યો દ્વારા પ્રજાજીવનમાં જાગૃતિ આણનાર પ્રવીણ ક. લહેરી 80 વર્ષ પૂરાં કરીને 81માં વર્ષમાં પ્રવેશ્યા એ નિમિત્તે અભિવાદન સમારોહ યોજાયો હતો. શ્રી પ્રવીણ ક. લહેરી અભિવાદન સમિતિ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ઝાયડસ કેડિલાના પંકજ પટેલ, ટોરેન્ટના સુધીર મહેતા, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણી, પી.એન. ભગવતી, ડો. સુધીર શાહ, ડો. કુમારપાળ દેસાઈ, ડો. પંકજ શાહ, જોરાવરસિંહ જાદવ, કવિ તુષાર શુક્લ, શિક્ષણશાસ્ત્રી ડો. ભદ્રાયુ વછરાજાની, ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. અમીબેન ઉપાધ્યાય, પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ જહા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, નિવૃત્ત આઇએએસ અધિકારી વસંત ગઢવી સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહના મુખ્ય અતિથિ અને શિવાનંદ આશ્રમ (અમદાવાદ)ના પ.પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે, ‘માણસનો ખરો વિકાસ એ કહેવાય કે મન અને બુદ્ધિનો વિકાસ થાય. સમાજનું ઉત્તરદાયિત્વ સમજે એ બુદ્ધિનો વિકાસ છે. ધર્મનો મૂળ અર્થ કર્તવ્ય-ફરજ છે. લહેરી સાહેબ સમાનધર્મી છે. એ રીતે લહેરી સાહેબ સાચા અર્થમાં ધાર્મિક વ્યક્તિ છે. લહેરી સાહેબના જીવનસંઘર્ષ પર નવલકથા લખાવવી જોઈએ, એમના સંઘર્ષનું મૂલ્યાંકન થવું જોઈએ, તો આવનારી પેઢીને સંઘર્ષ શું છે એ જાણવા મળશે. લહેરી સાહેબ સમાજ માટે ઘરેણાં સમાન છે.’
સમારોહના અતિથિ વિશેષ અને બીએપીએસના વરિષ્ઠ સંતવર્ય પ.પૂ. સાધુ બ્રહ્મવિહારીદાસજીએ વીડિયો સંદેશમાં જણાવ્યું કે, ‘પી.કે. લહેરી સાહેબ આપ સૌ માટે ખાસ છો. આપે લોકોનો પ્રેમ સંપાદિત કર્યો છે. આપ સૌના હૃદયમાં છો. જે રીતે આપની ગેરહાજરીમાં આપના નામની ચર્ચા થાય છે, એ પ્રેમનું સંભારણું છે. અસંખ્ય લોકો જેમનામાં અતૂટ વિશ્વાસ ધરાવે છે, એવા પ્રમુખસ્વામી મહારાજનો વિશ્વાસ પણ તમે પ્રાપ્ત કર્યો છે.’
સમારોહના અતિથિવિશેષ અને રામકૃષ્ણ આશ્રમ (રાજકોટ)ના અધ્યક્ષ પ.પૂ. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે, ‘આજે મહાનમાનવીનું અભિવાદન થઈ રહ્યું છે.
લહેરી સાહેબ આપણા સૌ માટે રોલમોડલ સમાન છે કેમ કે કોઈ વ્યક્તિ સેવાનિવૃત્તિ પછી સક્રિય થઈને આટલું સરસ યોગદાન આપી શકે છે તેનું શ્રેષ્ઠત્તમ દૃષ્ટાંત લહેરી સાહેબે પૂરું પાડ્યું છે. ભર્તુહરિએ ‘નીતિશતક’માં ત્રણ પ્રકારના મનુષ્યોની વાત કરી છે, એ પ્રમાણે આજના યુગમાં માઈક્રોસ્કોપ લઈને શોધીએ તો માંડ મળે એવા સત્પુરુષ પૈકીના એક લહેરી સાહેબ છે.’
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે શુભેચ્છા સંદેશ દ્વારા પ્રવીણ ક. લહેરીને શુભકામનાઓ પાઠવી હતી. સદવિચાર પરિવાર પ્રમુખ અને જાણીતા સેવાભાવી તબીબ ડો. પંકજ શાહે પ્રાસંગિક વ્યક્તવ્યમાં કહ્યું કે, ‘તાજેતરમાં 80 વર્ષ પૂરાં કરીને 81 વર્ષમાં પ્રવેશ કરનાર લહેરી સાહેબ આજીવન સેવામૂર્તિ અને અમારા સૌના પ્રેરણામૂર્તિ રહ્યા છે. લોકોના કામ કેવી રીતે કરાવવા તે લહેરી સાહેબ પાસેથી શીખવા મળ્યું છે. આપણા સૌ લહેરી સાહેબનો ઋણ અદા કરવા એકત્ર થયા છે તેનો રાજીપો વ્યક્ત કરું છું.’
ગુજરાતી ભાષા-સાહિત્ય મૂર્ધન્ય સાહિત્યકાર ડો. કુમારપાળ દેસાઈએ જણાવ્યું કે, ‘લહેરી સાહેબનું આઠ દાયકાનું જીવન સેવાને સમર્પિત રહ્યું છે. સદવિચાર અને સદઆચારથી જીવનને સુવાસિત કરનાર આ વ્યક્તિ (લહેરી સાહેબ)એ જીવનમાં સેવાકાર્યથી અનેક સેવાભાવી સંસ્થાઓને પ્રકાશિત કરી છે. એ જે સંસ્થામાં જોડાયા ત્યાં સક્રિયતાનો સંચાર થયો છે. એમનું જીવન સૌને રાહ ચિંધનારું છે.’
પ્રવીણ ક. લહેરીએ પ્રતિભાવમાં સૌનો ઋણ સ્વીકારીને જણાવ્યું હતું કે, ‘મારા જીવનમાં મેં જે કંઈ પ્રાપ્ત કર્યું, એમાં આપ સૌનો મોટો ફાળો રહ્યો છે. મારા જીવનમાં પિતાનો પ્રભાવ મોટો રહ્યો છે. પિતાએ સમયનો સારી રીતે ઉપયોગ કરવાનું શીખવ્યું છે.
મારા માતાએ મને ધીરજ રાખવાનું શીખવ્યું છે. મારા જીવનસાથી નીલાના સમર્પણને લીધે મારું જીવન અતિ સરળ બન્યું છે. મારું ઘડતર સંયુક્ત કુટુંબમાં થયું છે. માટલાનું ઘડતર ટપલાં મારીને થાય છે એ રીતે મારું ઘડતર થયું છે.’ અભિવાદન સમારોહનું સંચાલન કવિશ્રી હરદ્વાર ગોસ્વામી અને આભારવિધિ શૈલષ પટવારીએ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter