લંડનઃ 15મા સત્તાવાર યુએન ઈન્ટરનેશનલ વિડોઝ ડે નિમિત્તે ધ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા લંડનમાં 23 જૂને કોમનવેલ્થ સેક્રેટરિયેટ ખાતે યોજાએલી ઈન્ટરનેશનલ વિડોઝ કોન્ફરન્સમાં વિશ્વનેતાઓ, હિમાયતીઓ અને તળિયાના કર્મશીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં વિશ્વની વિધવાઓ સામે વ્યાપક ભેદભાવોનો અંત લાવવાની પ્રતિબદ્ધતા તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ના કેન્દ્રમાં તેમના અધિકારો પ્રસ્થાપિત કરવાની હિમાયતનો પુનરુચ્ચાર કરાયો હતો.
‘ડોન્ટ લીવ વિડોઝ બિહાઈન્ડ’નો થીમ ધરાવતી કોન્ફરન્સમાં ધ લૂમ્બા ફાઉન્ડેશનનાં પ્રેસિડેન્ટ મિસિસ શેરી બ્લેર CBE KC, પૂર્વ યુએન આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ અને યુએન વિમેનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મિસિસ લક્ષ્મી પૂરી; યુકેના ફેઈથ,કોમ્યુનિટીઝ અને રિસેટલમેન્ટ મિનિસ્ટર લોર્ડ ખાન એફ બર્નલે; રવાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર જ્હોન્સન બુસિન્ગ્યે તથા આફ્રિકા અને સાઉથ એશિયાની તળિયાની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં મિસિસ શેરી બ્લેરે ફાઉન્ડેશનની 28 વર્ષની યાત્રા તેમજ 2010માં યુનાઈટેડ નેશન્સ દ્વારા ઈન્ટરનેશનલ વિડોઝ ડેની માન્યતા અપાઈ તે માટે કરાયેલા સંઘર્ષ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘આ દિવસ જાતને અભિનંદન આપવાનો નથી. આ દિવસ વિશ્વભરની ગરીબી, કલંક, એકલતા અને શોષણનો ભોગ બનતી લાખો વિધવાઓ સહિત 258 મિલિયન વિધવા સ્ત્રીઓ પ્રત્યે વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. જ્યારે વિધવાઓને અડધી પણ તક અપાય છે ત્યારે તેઓ તેમના પરિવારનું ભરણપોષણ કરે છે, તેમનાં બાળકોને શાળાએ અને આગળ વધવા મોકલે છે. આમ છતાં, ઘણી સ્ત્રીઓ માટે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ આજે પણ અધૂરો જણાય છે.’
ધ લૂમ્બા ફાઉન્ડેશનના 2024ના સીમાચિહ્ન અભ્યાસ ‘નોટ લિવિંગ વિડોઝ બિહાઈન્ડ’ના તારણોથી સમર્થિત કોન્ફરન્સ ચિંતન અને પુનઃ પ્રતિબદ્ધતા માટે શક્તિશાળી પ્લેટફોર્મ બની રહેલ છે. મિસિસ પૂરી અને લોર્ડ લૂમ્બા સહિત અનેક વક્તાઓએ અભ્યાસનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે જાગરૂકતા કેળવાઈ હોવાં છતાં, મોટા ભાગના વિધવા સ્ત્રીઓ માટે રક્ષણ, અધિકારોનો અભાવ અને હાંસિયામાં ધકેલી દેવાની બાબતોમાં જરા પણ બદલાવ આવ્યો નથી.
મિસિસ લક્ષ્મી પૂરીએ ‘પરિવર્તનક્ષમ રોકાણ’ની હાકલ કરવા સાથે વિધવા સશક્તિકરણ માટે પાંચ મહત્ત્વની શક્તિની રુપરેખા જારી કરી હતી, જેમાં કાનૂની સુધારા, આર્થિક ઉત્થાન, ડેટા અને એકાઉન્ટિબિલિટી, નેતૃત્વની સમાવેશિતા અને સાંસ્કૃતિક બદલાવનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, ‘વૈશ્વિક અન્યાયોમાં વિધવાપણું સૌથી નજરઅંદાજ કરાયેલો અન્યાય છે. માત્ર યુએન દિવસથી ગહન અન્યાય દૂર થઈ જવાનો નથી. આ જવાબદારી આપણી છે.’ યુકે સરકારના પ્રતિનિધિ તરીકે લોર્ડ ખાન એફ બર્નલેએ બ્રિટનની પ્રતિબદ્ધતાની પુનઃ નિર્ણયાત્મકતા દર્શાવી જણાવ્યું હતું કે, ‘વિધવાપણુ નાનીસરખી ચિંતાનો વિષય નથી. તે 280 મિલિયનથી વધુ સ્ત્રીઓને અસર કરતો વૈશ્વિક માનવ અધિકાર મુદ્દો છે. યુકે વિધવાઓના અધિકારોના આદર તેમજ ધર્મ અથવા પરંપરાઓમાં ધરબાયેલા નુકસાનકારી માપદંડોને પડકારવાની નીતિઓની હિમાયત કરવામાં લૂમ્બા ફાઉન્ડેશનની પડખે છે.’
નેપાળના ડો. લિલી થાપા, કેન્યાના મિસ રોઝેલિન ઓરવા અને નાઈજિરિયાના ડો. એલીનોર ન્વાડિનોબીએ પડકારયુક્ત વાતાવરણમાં વિધવાઓને સમર્થન તેમજ કોમ્યુનિટીઓમાં અર્થપૂર્ણ પરિવર્તન આવી રહ્યું હોવાનું દર્શાવતા અનુભવો પણ રજૂ કર્યાં હતાં. સુલભ ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ મિ. કુમાર દિલિપે તેમના દિવંગત પિતા ડો. બિંદેશ્વર પાઠકના વારસાને યાદ કરતા ભારતમાં વિધવાઓ માટે પરિવર્તનકારી કાર્યો વિશે જણાવી મહિલાઓને દયાની નહિ, શક્તિની જરૂર હોવાનું કહ્યું હતું. યુએન વિમેન યુકેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મિસ તાબિથા મોર્ટને વિધવાપણાને લૈંગિક અસમાનતાની આડઅસર તરીકે નહિ ગણવાની હાકલ કરી હતી.
કોન્ફરન્સનું સમાપન કરતા ધ લૂમ્બા ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન ટ્રસ્ટી લોર્ડ રાજ લૂમ્બા CBEએ ફાઉન્ડેશનના મિશન ‘કોઈ પણ સ્ત્રીને તેના પતિથી વધુ જીવવા બદલ દંડિત કરાવી ન જોઈએ. આપણે આ માટે જ અહીં છીએ. આ માટે આપણે લડીશું અને આ માટે જ સાથે મળીને ચોકસાઈ રાખીશું કે કોઈ વિધવાને કદી પાછળ રહેવા ન દેવાય.’નો પુનરુચ્ચાર કર્યો હતો.