કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાનું મારા દિલમાં વિશેષ સ્થાનઃ રિશિ સુનાક

રુપાંજના દત્તા Thursday 07th November 2024 04:19 EST
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CF India) દ્વારા ગત સપ્તાહે તાજ ખાતે વાર્ષિક દિવાળી રિસેપ્શનનું આયોજન કરાયું હતું જેમાં, પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક MP ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ રિસેપ્શન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રિશિ સુનાકનો આખરી સમારંભ હતો. દિવાળી રિસેપ્શન સમારંભમાં વિશિષ્ટ મહેમાનોમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, લોર્ડ ડોલર પોપટ, બોબ બ્લેકમેન MP, સહિત અન્યોનો સમાવેશ થયો હતો.

CF Indiaના સહાધ્યક્ષ રીના રેન્જરે જણાવ્યું હતું કે,‘આપણે ગત થોડી દિવાળીઓ અસાધારણ ઈવેન્ટ્સ સાથે ઉજવી હતી. એક વર્ષે મહામારીમાં તત્કાલીન ચાન્સેલરને દેશમાં સૌથી પ્રખ્યાત સ્ટ્રીટમાં તેમના નિવાસની બહાર દીવા પ્રગટાવતા આપણે નિહાળ્યા હતા. આપણે વિચાર્યું કે ઈતિહાસ રચાયો હતો પરંતુ, બીજી દિવાળીએ પ્રથમ બ્રિટિશ ભારતીય પ્રાઈમ મિનિસ્ટરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પદભાર સંભાળ્યો ત્યારે ફરી એક વખત ઈતિહાસ રચાયો હતો.’

રિશિ સુનાકના રાજકીય સલાહકાર અમીત જોગીઆએ રિશિના વારસાને અંજલિ આપતા રમૂજ સાથે ઉમેર્યું હતું કે લોકો તેમને રિશિના હમશક્લ તરીકે સરખાવતા રહે છે! તેમણે રિશિ સાથે કામ કરવાના સમયનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે,‘અમારા સાથેના કાર્યકાળમાં મેં બ્રિટિશ પ્રજા માટે દિવસરાત મહેનત કરતી વ્યક્તિને નિહાળી હતી. સવાર પડવાથી મોડી સાંજ સુધી રિશિએ દરરોજ કામ કરવાના પ્રત્યેક મિનિટ આપણા મહાન રાષ્ટ્ર અને માનવજાતની સેવામાં વીતાવી હતી.’

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના ગર્વીલા સભ્ય રિશિ સુનાકે પક્ષની સંસ્થાના તળિયાનો લોકો અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમની ભૂમિકાને અંજલિ આપી હતી. પાર્ટીની અંદર સૌથી મોટાં જૂથ CF Indiaએ તાજેતરના વર્ષોમાં હેરો, સ્લાઉ અને લેસ્ટરમાં ચાવીરૂપ બ્રિટિશ ભારતીય બેઠકો પર નોંધપાત્ર ચૂંટણીલાભો હાંસલ કર્યા છે.

રિસેપ્શનને સંબોધતા રિશિએ જણાવ્યું હતું કે,‘કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા મારા દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. પ્રાઈમ મિનિસ્ટર અને પક્ષના નેતા તરીકે મારા કાર્યકાળમાં અને ખાસ કરીને યુકે અને ભારતના સંબંધોને મજબૂત બનાવવામાં CF India નોંધપાત્ર પરિબળ બની રહ્યું છે. ગત થોડા વર્ષોમાં CF Indiaએ ભારે તાકાત હાંસલ કરી છે. તમારા સહાધ્યક્ષો રીના રેન્જર અને અમીત જોગીઆના નેતૃત્વે CF Indiaને પાર્ટીનું કેમ્પેઈન મશીન બનાવ્યું છે. CF India થકી જ 2019 પછી બ્રિટિશ ભારતીયોનો વોટહિસ્સો દર વર્ષે વધતો જ રહ્યો છે.’

અત્યાર સુધી મળેલા સપોર્ટ અને આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરતા સુનાકે કહ્યું હતું કે,‘દિવાળીના દીપકોને ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રગટાવવા તે મારા જીવનમાં સૌથી ગૌરવપૂર્ણ સમયોમાં એક બની રહેશે. તે માત્ર આપણી કોમ્યુનિટી માટે જ નહિ, આપણા મહાન દેશ માટે પણ મહાન સિદ્ધિ છે. તમારા સહુના પ્રેમ, સપોર્ટ અને પ્રાર્થના સિવાય હું આજે અહીં ન હોત. તમારું પ્રતિનિધિત્વ કરવામાં મારું ગૌરવ રહ્યું છે અને તમે મારા માટે જે કર્યું છે તેનો હું આભારી છું.’

ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે સૌથી સફળ બાબત એ છે કે રિશિ સુનાક ભારત અને યુકેના મૂલ્યોનું સંયોજન કરી બંને દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે વિશ્વને દર્શાવ્યું કે લોકશાહીઓનો અર્થ શું છે જ્યાં કશું પણ શક્ય રહે છે અને દરેકને તક સાંપડે છે. રિશિ સુનાક તેનું ઉદાહરણ છે.’

આ પછી, રિશિ સુનાક પત્ની અક્ષતા અને લેસ્ટરના નવાં સાંસદ શિવાની રાજા સાથે લેસ્ટરના શ્રી રામ મંદિરમાં દિવાળીની ઊજવણી કરવા ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter