અમદાવાદઃ ચૈત્ર સુદ નોમના રોજ સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીજી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની 241મી જયંતીની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણનું ષોડ્ષોપચાર પૂજન કરાયું હતું તેમજ પુષ્પો અને મોતીથી મહાભિષેક કરાયો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યા પાસે છપૈયા ખાતે ચૈત્ર સુદ - નોમ સંવત ૧૮૩૭ ના રોજ થયું હતું. તેમણે માત્ર ૧૧ વર્ષની ઉંમરે નિલકંઠવર્ણીએ લગભગ ઉઘાડા પગે ચાલીને રપ૬ર દિવસ દરમ્યાન ૧૩૦૦૦ કિલોમીટરનું વિચરણ કર્યું હતું. આ વિચરણ દરમ્યાન તેમણે સેવકરામ જેવા અનેક સાધુ સંતોની સેવા કરી હતી અને જગતને સેવા કરવાનો સંદેશ આપ્યો હતો. વિક્રમ સંવત્ ૧૮૫૮ કારતક સુદ એકાદશીના દિવસે પીપલાણામાં તેમને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નામ પાડ્યું હતું. ત્યારબાદ તેઓશ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે સમગ્ર જગતમાં પ્રસિદ્ધ થયા. સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ જનસમાજના ઉત્થાન માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું અને અનેકને સદાચારીમય જીવન જીવતા કર્યા છે. અનેક વિરોધો વચ્ચે પણ વિચરણ કર્યું.