અમદાવાદઃ શહેરના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા હીરાપુર સ્થિત આનંદધામ ખાતે શનિવારના રોજ ‘પ્રસાદી સ્થાન’ ખુલ્લું મૂકાશે. અહીં હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની પ્રસાદીની વસ્તુઓના દર્શન કરી શકશે. આ પ્રસંગે મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે હતા ત્યારે તેઓ જે શાલ ઓઢતા હતા તે પ્રસાદીભૂત શાલ કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના હસ્તના પંજા, મુક્તજીવન સ્વામીબાપાએ જેના વડે હરિજ્ઞાનામૃત કાવ્યની રચના કરી હતી તે પેન, સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી જે ભગવાનની પૂજા કરતાં હતા તે મૂર્તિઓ, તેઓ જે શાસ્ત્રોનું પઠન કરતાં હતા તે વચનામૃત આદી ગ્રંથો, તેઓ વિદેશના ભક્તોને લખેલા પત્રો વગેરે સહિત પ્રસાદીની અનેક વસ્તુઓના અલૌકિક દર્શન કરાવવામાં આવશે.
આ પ્રસાદીની વસ્તુઓ ગુજરાત, મુંબઈ અને લંડનના હરિભક્તોએ અર્પણ કરેલ છે એમ જણાવતા સાધુ પ્રેમવત્સલદાસજીએ ઉમેર્યું હતું કે પ્રસાદીની વસ્તુઓના દર્શન કરવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન જેવું જ ફળ પ્રાપ્ત થાય છે. આનંદધામ - હીરાપુર ખાતે દર મહિનાની પૂર્ણિમાએ સાંજે સત્સંગ સભાનું આયોજન કરાય છે. આ સ્થાન ઉપર શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિમાં ભવ્ય આરસની છત્રી સ્થાન પણ બનાવવામાં આવી છે, જેના દર્શનાર્થે હરિભક્તો ઉમટે છે.


