નાઇરોબીઃ ઇસ્ટ આફ્રિકાની સૌથી મોટી મીઠાની કેસોલ્ટ કંપનીના માલિક કે.કે. વરસાણી પુત્ર દીપકભાઇ અને પરિવાર દ્વારા મલિંડી નજીકના મરેરેની ગામમાં SGVPના અધ્યક્ષ પ.પૂ. સદ્ગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે શ્રીમતી ધનબાઈ કે.કે. પટેલ આધુનિક મેટરનિટી હોસ્પિટલનો શિલાન્યાસ કરાયો હતો. આ પવિત્ર સેવાકાર્ય પ્રસંગે કે.કે. વરસાણી, પુત્ર દીપક વરસાણી, જમાઈ ગોવિંદભાઈ તથા પરિવારજનો ઉપરાંત વિવિધ ક્ષેત્રના સ્થાનિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા. આ જંગલ વિસ્તારમાં નાના ગામડાંઓમાં આશરે 7000થી વધારે લોકો વસે છે અને અહીં આરોગ્ય સુવિધાનો મોટો અભાવ છે. આ જ વિસ્તારમાં વર્ષ 1988 માં પ.પૂ. સદ્ગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના પાવન હસ્તે પ્રથમ કે.કે. વરસાણી પરિવાર દ્વારા સુપુત્રી સપનાના નામથી મેટરનિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ વધતી જનસંખ્યા અને આરોગ્યની નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં હવે વધુ વિશાળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ મેટરનિટી હોસ્પિટલ નિર્માણ પામશે.
કેન્યા તમારી કર્મભૂમિ, ભારત ધર્મભૂમિ
આ પ્રસંગે પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે ‘કેન્યા તમારી કર્મભૂમિ છે અને ભારત તમારી ધર્મભૂમિ છે. કર્મભૂમિની સેવા કરવી તમારું કર્તવ્ય છે. આ મેટરનિટી હોસ્પિટલ સેંકડો બહેનો, બાળકો અને પરિવારો માટે આશીર્વાદરૂપ બનશે. કે.કે. વરસાણી પરિવાર માત્ર કચ્છ જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને હિન્દુ સમાજનું ગૌરવ છે આવા સેવા કાર્યોથી ભારત અને કેન્યા બન્ને દેશો વચ્ચેના સંબંધો વિશેષ મજબૂત બનશે.’
નિસ્વાર્થ સેવાભાવી વરસાણી પરિવાર
સ્થાનિક આગેવાનોએ વરસાણી પરિવારની સેવાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે, ‘આ કે.કે. વરસાણી પરિવાર દ્વારા અગાઉ પણ 2500 વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા નિર્માણ પામી છે અને ભવિષ્યમાં વધુ ત્રણ શાળાઓ ઉભી કરવાનો આ પરિવારનો સંકલ્પ છે.’ એક અગ્રણીએ કહ્યું હતું કે કે.કે. વરસાણી પરિવાર અમારી વચ્ચે રહી નિઃસ્વાર્થ સેવા આપે છે અને અમારા લોકોને મદદ કરે છે. આ બધા કાર્યો સ્વામીજી જેવા હિન્દુ પ્રિસ્ટની પ્રેરણાથી થાય છે તે અમારા બધા માટે વધારે ગૌરવની વાત છે.’વરસાણી પરિવારના લોકકલ્યાણકારી કાર્યોમાં ભુજ ખાતે કે.કે. હોસ્પિટલનું નિર્માણ, કેન્યામાં 10 લાખથી વધુ વૃક્ષારોપણ અને આફ્રિકામાં સૌથી મોટું સોલાર યુનિટ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.