અમદાવાદઃ સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત આ પુસ્તક મોતીભાઈ ઠક્કર પરિવાર દ્વારા પ્રકાશિત કરાયું છે.
આ પુસ્તકના પ્રકાશન પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ... એ આપણી સંસ્કૃતિ છે. તેથી દરેક સંતાનોની ફરજ બની જાય છે કે, માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા વહેંચે છે અને પછી તે મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા ચાર સંતોનોને મોટા કરે છે,પરંતુ ચાર પુત્રો માતાપિતાને રહેવા માટે વારા પાડે છે. સંતાનો સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર... તેવું સર્જન ના કરતાં. આજે ઘણા સંતાનો જીવતા મા- બાપને ચૂપ કરે છે અને તે મર્યા પછી તેમને ધૂપ કરે છે. તેનો અર્થ શું છે? જે પિતાએ જીંદગીભર ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘણપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા, નહિ તો જીવનમાં કયારેય સુખી નહી થવાય. તમો તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે. સંતાનો યાદ રાખજો કે, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી.. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય. મા - બાપની આંખોમાં બે વાર આસું આવે છે. દીકરી ઘર છોડે છે ત્યારે અને દિકરો તરછોડે છે, ત્યારે..... જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરતાં. અંતમાં સૌ ઉપસ્થિત ભક્તોને આ માતાપિતાની સેવા પુસ્તક સૌને વિનામૂલ્યે ભેટમાં આપ્યું હતું.


