લંડનઃ યુકેમાં ગુજરાતી મૂળના પ્રસિદ્ધ ડોક્ટર પ્રોફે. હસમુખ શાહ BEM, FLSWને યુનાઈટેડ કિંગ્ડમની નિઃસ્વાર્થ સેવા અને સમાજને યોગદાન બદલ યુકેના મિનિસ્ટર દ્વારા એપ્રિસીએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. હોમ ઓફિસમાં વિન્ડરશ યુનિટના ડાયરેક્ટર અનિતા બેઈલીએ વેલ્શ પાર્લામેન્ટમાં મિનિસ્ટર વતી આ સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. એપ્રિસીએશન સર્ટિફિકેટ યુકેના માઈગ્રેશન અને સિટિઝનશિપ મિનિસ્ટર સીમા મલ્હોત્રા દ્વારા જારી કરાયું હતું.
ડો. હસમુખ શાહ વેલ્સમાં ડોક્ટરોની હિમાયત કરતા બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)ના સેક્રેટરી છે. ડો. શાહને જૂન 2018માં દિવંગત ક્વીન એલિઝાબેથ દ્વિતીયના બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી વિભૂષિત કરાયા હતા.
ડો. શાહને 18મા એશિયન એચિવર્સ એવોર્ડ સમારંભમાં એશિયન –ગુજરાત સમાચાર ન્યૂઝપેપર તરફથી લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.