વલ્લભ વિદ્યાનગરઃ આપણી દુનિયા રીલ હીરોથી ભરેલી છે, પરંતુ આપણને રીલ હીરો કરતાં વાસ્તવિક હીરોની વધુ જરૂર છે. જે હીરોએ સમાજ બદલ્યો છે, જેઓએ બાળકોનું ભવિષ્ય બદલ્યું છે, જેઓએ મૂલ્યો બદલ્યા છે, જેઓએ સમાજમાં યોગદાન આપી એમને આગળ લાવ્યા છે. આપણે એવા વાસ્તવિક એટલે રિયલ હીરોને સેલિબ્રેટ કરવાની જરૂર છે. એમ અબુધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરના પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ વલ્લભ વિદ્યાનગરમાં સીવીએમ યુનિવર્સિટીના સ્થાપક પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલના 75મા જન્મદિન પ્રસંગે યોજાયેલા પ્લેટિનિયમ જ્યુબિલી સેલિબ્રેશન સમારોહને સંબોધતા જણાવ્યું હતું.
બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે, સમાજમાં બે પ્રકારના વ્યક્તિ હોય છે, એક જેઓ અભિપ્રાયોને અનુસરે છે અને જીવન મુશ્કેલીમાં મુકાય છે. બીજા જેઓ અભિપ્રાયો બનાવે છે અને તેઓનું જીવન પડકારજનક હોય છે. ભીખુભાઇ એક એવા વ્યક્તિ છે જેઓ અભિપ્રાયોને અનુસરતા નથી પરંતુ અભિપ્રાયો બનાવે છે. દરેક વસ્તુ કે વિચારનો ઉત્સવ બનાવવાની માણસની પ્રકૃતિ છે. આપણે સરદાર પટેલને યાદ કરીએ, ભાઇકાકા, ભીખાભાઇ, ડો.એચ.એમ. પટેલ, ડો. સી.એલ. પટેલને યાદ કરીએ આજે ભીખુભાઇ પટેલને સેલિબ્રેટ કરીએ એ માનવતાનું મૂલ્ય છે.
બીએપીએસ મંદિર - આણંદના કોઠારી સ્વામી પૂજ્ય ભગવદચરણદાસ સ્વામીએ જણાવ્યું કે ભીખુભાઇએ માત્ર સંસ્થાઓમાં જ નહીં દેશવિદેશમાં બધા સાથે સુમેળભર્યા સંબંધો રાખ્યા છે, અને ટીમવર્કથી બધાને સાથે રાખીને કામ કરી રહ્યા છે.
આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામી અને ભગવદચરણ સ્વામીના હસ્તે ભીખુભાઇ પટેલને સન્માનપત્ર અર્પણ કરાયું હતું. સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઇન્દ્રજીત પટેલ દ્વારા પ્લેટેનિયમ જ્યુબિલી સેલિબ્રેશન અંતર્ગત વિદ્યા વિકાસ અને વિદ્યા સંવર્ધનના નવા પ્રકલ્પોની જાહેરાત કરાઇ હતી. ચારુતર વિદ્યામંડળના માનદ સહમંત્રી મેહુલ પટેલ દ્વારા આ સેલિબ્રેશન અંતર્ગત રૂ. 35 કરોડનું દાન આપનાર દાતાઓ અને નવા પ્રકલ્પોની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે એલિકોન ગ્રુપ ઓફ કંપનીના સીએમડી પ્રયાસ્વીન પટેલ, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુરેન્દ્રભાઇ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ પરીન્દુ ભગત, ફોગા-યુએસએના પ્રેસિડેન્ટ ડો. વાસુદેવ પટેલ, શાયોના ગ્રુપ ચેરમેન સુરેશભાઇ પટેલ, આણંદના સાંસદ મિતેશ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


