ધ હાર્મની કોન્ફરન્સ 2025માં હિન્દુ કોમ્યુનિટીના સશક્તિકરણના નવા માપદંડોની સ્થાપના

Wednesday 17th September 2025 05:28 EDT
 
 

 લંડનઃ એક્શન ફોર હાર્મની દ્વારા 13 સપ્ટેમ્બર 2025ના રોજ આયોજિત ધ હાર્મની કોન્ફરન્સ 2025 બ્રિટિશ હિન્દુઓ માટે ઐતિહાસિક ઈવેન્ટ બની રહ્યો હતો. યુકેના 100 શહેરો અને નગરોમાંથી 120  સંસ્થાઓના 250થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 22 મંદિરો, 71 કોમ્યુનિટી સંસ્થાઓ, શિક્ષણવિદો, 8 કાઉન્સિલરો, મેયરો અને પાર્લામેન્ટેરિયન્સની ઉપસ્થિતિ સાથેના ઈવેન્ટ થકી શક્તિશાળી સંદેશો સર્જાયો હતો કે રાષ્ટ્રનાં ભાવિના નિર્માણ અર્થે બ્રિટિશ હિન્દુઓ એકસંપ થઈ, જાહેરમાં દેખાઈ અવાજ ઉઠાવવા તૈયાર છે.

આ ઈવેન્ટમાં 16 વર્કશોપ યોજાયા હતા, 9 હિન્દુ સંસ્થાઓમાં 35 સ્વયંસેવકો આવ્યા હતા તેમજ NHSF UK, ABHI – APPG બ્રિટિશ હિન્દુઝ, ચિન્મયા યુકે, IDUK, CCLA, સૂર્યા  કોમ્યુનિટી એનર્જી, હિન્દુ સાહિત્ય કેન્દ્ર, હિન્દુ સપોર્ટ નેટવર્ક, હિન્દુ એજ્યુકેશન બોર્ડ યુકે, હિન્દુ મંદિર નેટવર્ક/ વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ, સેવા  યુકે, ગો ધાર્મિક, INSA UK, FISI UK, INSIGHT UK, 108 Puzzles, અને અનુપમ મિશન સહિત 18 કોમ્યુનિટી સ્ટોલ્સ ઉભા કરાયા હતા.

પિયુષભાઈ મિસ્ત્રી ( શ્રી પ્રજાપતિ એસોસિયેશન યુકે), ડો. રામ વૈદ્ય (HSS UK), વિશાખા દાસીજી (ISKCON UK), બ્રહ્મચારિણી શ્રીપ્રિયા જી (ચિન્મય મિશન યુકે), કૈલાસ પારેખ (BAPS UK), મમતા સુબ્રમણ્યમ (Heartfulness UK)ના હસ્તે પવિત્ર દીપ પ્રજ્વલન સાથે દિવસનો આરંભ કરાયો હતો. બ્રહ્મચારિણી શ્રીપ્રિયા જી દ્વારા સંસ્કૃત પ્રાર્થના થકી સંવાદિતા, હેતુ અને સામૂહિક પ્રયાસોનો આધ્યાત્મિક સૂર સર્જાયો હતો. ધાર્મિક  નેતાઓ અને મહાનુભાવોએ એકતા, વિરાસતનું રક્ષણ અને નાગરિક જવાબદારીઓના પાલનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ભક્તિવેદાંત મેનોરના ટેમ્પલ પ્રેસિડેન્ટ વિશાખા દાસીજીએ આધ્યાત્મિક ઊંડાઈ અને સમજનું મહત્ત્વ આપણને સનાતન ધર્મના કાર્યોમાં પરોવશે તેમ જણાવ્યું હતું. આધ્યાત્મિક નેતા અને અનુપમ મિશનના સંત ભગવાન  સાહેબજીએ કોમ્યુનિટીઓને એક સાથે લાવવામાં તેમજ આપણા સાવર્ત્રિક મૂલ્યોને ઉત્તેજન આપવામાં કોઈ ભય નહિ રાખવા બદલ એક્શન ફોર હાર્મનીની પ્રશંસા કરી હતી.

વક્તાઓ તેમજ વર્કશોપ્સમાં કોમ્યુનિટી સમક્ષ રહેલા ઓળખ,  એજ્યુકેશન, સલામતી અને ન્યાય, સુરક્ષાકવચ, ધાર્મિક રીતરિવાજો સહિતના પડકારો વિશે વાત કરી હતી. હિન્દુ એજ્યુકેશન બોર્ડ યુકે દ્વારા શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિની રજૂઆત કરી હતી. સ્ટેન્ડિંગ એડવાઈઝરી કાઉન્સિલ્સ ઓન રીલિજિયસ એજ્યુકેશન (SACREs)માં હિન્દુ પ્રતિનિધિત્વ વધારવા, GCSE હિન્દુ રિસોર્સીસ વિકસાવવાની માગણી કરી હતી. વાર્ષિક અંદાજે 80,000પાઉન્ડથી વધુના ભંડોળની જરૂરિયાત મુદ્દે કોમ્યુનિટીના વ્યાપક સહકારની હાકલ કરી હતી. ‘લોકશાહીના ધર્મની જાગૃતિ’ વિષય  હેઠળ કોમ્યુનિટીએ રાજકારણમાં કેવી રીતે  આગેકૂચ થઈ રહી છે તેની વાત કરવામાં આવી હતી. વિવિધ રાજકીય પક્ષો દ્વારા હિન્દુ મેનિફેસ્ટો 2024ને માન્યતા આપવામાં આવી હતી. હજારો હિન્દુ મતદારોને સાંકળી દેશભરમાં 10 ચૂંટણીપ્રચારનું આયોજન કરાયું હતું. કોમ્યુનિટીના અગ્રણીઓએ 100થી વધુ ચાવીરૂપ મતક્ષેત્રોમાં પ્રભાવ વધારવા, તમામ પક્ષો સાથે સંપર્કો સાધવા અને નેતાઓની આગામી પેઢીને તાલીમ આપવા હિન્દુઓને અનુરોધ કર્યો હતો.

કોન્ફરન્સમાં હિન્દુ રીમેમ્બરન્સ ડે (20 સપ્ટેમ્બર 2025), યુકે પાર્લામેન્ટ સપ્તાહ, ટીચર એપ્રિશિયેશન ડે, રક્ષાબંધન વિસ્તરણ, હિન્દુ જાગરૂકતા મહિનો સહિતની નવી પહેલોની જાહેરાત કરાઈ હતી. ઈવેન્ટના સમાપને આખરી સંદેશામાં આયોજકો નીતિનભાઈ પલાણ MBE અને નીલેશભાઈ સોલંકીએ કોમ્યુનિકેટ, કોઓપરેટ અને કોલાબોરેટનો મંત્ર આપી સાથે મળીને પડકારો ઝીલી લેવા અનુરોધ કરવા સાથે જણાવ્યું હતું કે એકતા, ભંડોળ અને આપસી સહકાર સાથે બ્રિટિશ હિન્દુઓ આપણો અવાજ સંભળાય, આદર અપાય અને ઉજવાય તેવાં ભવિષ્યનું ઘડતર કરી શકે છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter