નડિયાદના નૂતન મંદિરમાં મહંતસ્વામી મહારાજના હસ્તે ­­મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ મહોત્સવ

Wednesday 13th December 2023 04:17 EST
 
 

નડિયાદ: પીપલગ નજીક સાકાર થયેલા નૂતન સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ મહોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના સંગમસમા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા કરાઇ હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિન પર્વે સાતમી ડિસેમ્બર - ગુરુવારે યોજાયેલા ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સત કેવલ જ્ઞાન સંપ્રદાય - સારસાના અનંત વિભૂષિત જગદગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ તેમજ હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે આ સ્થાને મોટું મંદિર રચવા સંકલ્પ કર્યો હતો, જે મહંતસ્વામી મહારાજ દ્વારા પૂર્ણ થયો છે.
સવારે મૂર્તિપ્રતિષ્ઠા વિધિમાં સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો અને મહંત સ્વામી મહારાજ દ્વારા વૈદિક મહાપૂજા બાદ પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને આરતી તથા ભવ્ય અન્નકૂટ યોજાયા હતા. ઉદ્ધાટન નિમિત્તે સાંધ્ય કાર્યક્રમમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના દિવ્યજીવન અને કાર્યને અંજલિ અર્પતાં વક્તવ્યો અને કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા.
લોકાર્પણ પ્રસંગે ખાસ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બીએપીએસના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓના દર્શન અને મંદિર સંકુલનું નિરીક્ષણ કરીને તેઓ ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જન્મ જયંતિ અને મંદિર લોકાર્પણ’ સભામાં હાજર રહ્યા હતા. મહંત સ્વામી મહારાજ અને મુખ્યમંત્રીના હસ્તે મંદિર લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચન પાઠવ્યા હતા અને સૌને મંદિર દ્વારા જીવન ઘડતરની પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે મંદિરો દ્વારા ચારિત્ર્યશીલ સમાજનું નિર્માણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો એવા મંદિરો, સંતો અને શાસ્ત્રોની ગરિમા સમગ્ર વિશ્વમાં વધારી છે.
સંસ્થાના સંત બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ સૌને આવકારતા જણાવ્યું હતું કે, આ મંદિર માત્ર દર્શનનું નહિ, પરંતુ જીવન ઉત્કર્ષના સ્થાન સાથે સામાજિક એકતા અને સમાજની નવરચનાનું કેન્દ્ર બની રહેશે.
મંદિર દ્વારા 190 જેટલી સમાજ સેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ સ્વભાવ સાથે આધ્યાત્મિક પ્રકૃતિના છે. મુખ્યમંત્રી અંતરભાવથી ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદમાં મહિલા આઈટીઆઈ અને સંસ્કૃત મહાવિદ્યાલય શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. સત કેવલ જ્ઞાન સંપ્રદાય-સારસાના અનંત વિભૂષિત જગદગુરુ
શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજે હિન્દુ એકતાની વાત દ્રઢ કરાવતા બીએપીએસ સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજ, મહંતસ્વામી મહારાજ દ્વારા હિન્દુ જાગૃતિના કાર્યોની સરાહના કરી હતી. બીએપીએસ સંસ્થા સનાતન ધર્મના પાયાના મૂલ્યોને મજબૂત કરવા પુરુષાર્થ કરી રહી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય પર ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter