નીસડન મંદિરમાં સમર્પિતતાની ભાવના સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી

Wednesday 12th August 2026 08:41 EDT
 
 

લંડનઃ હિન્દુઓના પવિત્ર ઉત્સવ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા ભક્તજનો સમર્પિતતા અને કૃતજ્ઞતાની ભાવના સાથે મોટી સંખ્યામાં નીસડન મંદિરમાં એકત્ર થયા હતા. આ નિમિત્તે ભારતથી ખાસ પધારેલા સ્વામીજીઓએ આધ્યાત્મિક જીવનમાં ગુરુઓની અતિ આવશ્યક ભૂમિકાને દૃઢ બનાવવા ભક્તજનોને પ્રેરણા આપી હતી. ગુરુપૂર્ણિમાની ઉજવણીના પાવન પ્રસંગે તમામ વયના ભાવિકો-સત્સંગીઓને મહંત સ્વામી મહારાજ પ્રત્યે આદર પ્રદર્શિત કરવા અને તેમના માર્ગદર્શન હેઠળ જીવન જીવવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરવાની અનોખી તક સાંપડી હતી.

યુવા ભક્તો દ્વારા પ્રસ્તુત ભક્તિભાવસભર ભજનો સાથે સાંજની સભાનો આરંભ થયો હતો. તેમના દ્વારા પ્રસ્તુત મધુર અને હૃદયંગમ ભજનોએ ગુરુજનોની અસીમિત અનુકંપા, માર્ગદર્શન અને આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાથે ગુરુઓનું મહિમાગાન કર્યું હતું. ઉત્સાહપૂર્ણ કીર્તનો થકી તેમણે ગુરુ પરંપરાના શાશ્વત ઉપદેશોનું ચિંતન કર્યું હતું તેમજ ઉપસ્થિત ભાવિકોને તેમની આસ્થા, સમર્પણ અને દૈનિક આધ્યાત્મિક સાધનાને મજબૂત બનાવવા પ્રેરણા આપી હતી.

મુલાકાતી સ્વામીજીઓએ ગુરુપૂર્ણિમાના મહત્ત્વ વિશે ઊંડાણપૂર્વકના ઉપદેશો આપ્યા હતા. તેમણે સમજાવ્યું હતું કે સાચા ગુરુઓ અજ્ઞાનના અંધકારને દૂર કરે છે અને શિષ્યોને સ્થિર આસ્થા, નિનમ્રતા અને આજ્ઞાપાલકતા દ્વારા આધ્યાત્મિક પરિપૂર્ણતા તરફ દોરી જાય છે. ભગવાન સ્વામિનારાયણના જીવન અને ઉપદેશો તથા ગુરુ પરંપરાના ઉદાહરણો સાથે તેમણે ભાવિકોને સદ્ગુણોને કેળવવાનું પ્રોત્સાહન આપ્યું હતું જેના થકી તેઓ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે અને તેમના આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ સાધી શકે.

સ્વામીજીઓએ ભક્તિભાવ સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની મૂર્તિ પર પુષ્પાંજલિઓ અર્પણ કરી બે દિવસની ઉજવણીઓનું સમાપન કર્યું હતું. સમર્પણ અને પ્રાર્થનાના પવિત્ર વાતાવરણ મધ્યે ભાવિકોએ ગુરુના સતત માર્ગદર્શન બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તેમના સદ્ગુણોને આત્મસાત કરવા અને તેમના માર્ગદર્શન અનુસાર આસ્થાસહ જીવન જીવવાની શક્તિ આપવા પ્રાર્થના કરી હતી.

વિશિષ્ટ આમંત્રિતોમાં મંદિરના પૂર્વ ટ્રસ્ટી નીતિનભાઈ પલાણનો સમાવેશ થયો હતો. તેમણે જણાવ્યું કે, ‘ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહિ. આ પળ એવી છે જ્યારે કોમ્યુનિટીના સભ્યો સાથે આવે છે અને આપણને માર્ગદર્શન આપનારા ગુરુઓના આશીર્વાદ મેળવે છે.’ મંચ પર ઉપસ્થિત ગુરુઓના આશીર્વાદ મેળવવા આમંત્રિત વિશિષ્ટ મહેમાનોમાં નીતિનભાઈ પલાણનો સમાવેશ થયો હતો.

ગુરુપૂર્ણિમા સમારંભમાં ઉપસ્થિત ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સીબી પટેલને પણ ગુરુજનોના આશીર્વાદ મેળવવા મંચ પર આમંત્રિત કરાયા હતા.

સમારંભનું સમાપન થવા સાથે ઉપસ્થિત ભક્તજનોએ કૃતજ્ઞતાની લાગણી અને ગુરુઓ અને શિષ્યો વચ્ચે વિશિષ્ટ સંબંધની સમજ પ્રાપ્ત કરી વિદાય લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter