પદ્મશ્રી કુમારપાળ દેસાઇને ‘જૈના ગ્લોબલ એવોર્ડ 2025’ એનાયત

Saturday 19th July 2025 06:53 EDT
 
 

અમદાવાદઃ અમેરિકા અને કેનેડાનાં 72 જેટલાં સેન્ટર અને સંઘોનું પ્રતિનિધિત્વ કરતી અને ભારત બહારની જૈન ધર્મની સૌથી મોટી અમેરિકાની ‘જૈના’ સંસ્થાનું શિકાગોમાં દ્વિવાર્ષિક સંમેલન યોજાયું હતું. 1981માં સ્થપાયેલી બે લાખ સભ્યો ધરાવતી આ સંસ્થાએ પ્રથમવાર જૈન ધર્મદર્શનનો વૈશ્વિક પ્રભાવ સર્જનારી વ્યક્તિઓને ‘જૈના ગ્લોબલ એવોર્ડ 2025’ આપવાનું જાહેર કર્યું હતું. જેમાં જાણીતા સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના ચિંતક ડો. કુમારપાળ દેસાઈને એમના વૈશ્વિક કક્ષાએ જૈન ધર્મ, દર્શન, ઈતિહાસ અને જૈન જીવનશૈલીના પ્રસાર માટે જૈના ગ્લોબલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે.
ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં 70થી વધુ પુસ્તકો અને ત્રણ હજારથી વધુ લેખો લખનાર કુમારપાળ દેસાઈના વિશ્વવ્યાપી કાર્યને માટે આ એવોર્ડ અપાયો હતો. કુમારપાળ દેસાઈએ વ્યાપક જનસમૂહમાં પ્રવચનો દ્વારા, ઓનલાઇન માહિતી દ્વારા અને અખબાર તથા સામયિકોના માધ્યમથી તેમજ કથાશ્રેણી દ્વારા જૈન ધર્મની વિશેષતાઓને વિશ્વમાં વ્યાપક સંદર્ભસાથે રજૂ કરી છે.
વિશ્વભરનાં ચારેય ખંડોમાં જૈન ધર્મ વિશેનાં પ્રવચનો આપવાની સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી સાહિત્ય વિશે વક્તવ્ય આપનાર કુમારપાળ દેસાઈને આ પૂર્વે અટલ બિહારી બાજપેયીના હસ્તે ‘જૈન રત્ન’નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. એ પછી જૈન વિભૂષણ તથા ઇંગ્લેન્ડમાં હેમચંદ્રાચાર્ય એવોર્ડ અને અહિંસા એવોર્ડ એનાયત થયા છે અને આ પૂર્વે અમેરિકાની ‘જૈના’ સંસ્થા દ્વારા 1997માં પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ, 2023માં જૈના એમ્બેસેડર એવોર્ડ એનાયત થયા છે. આ દેશ-વિદેશના કાર્યો માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, ભારતના ચેરમેન તરીકે કાર્યરત પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈની સાથોસાથ ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનું નેતૃત્વ કરનારા નેમુ ચંદરયાને પણ જૈના ગ્લોબલ એવોર્ડ 2025 પ્રાપ્ત થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter