નવી દિલ્હીઃ પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક પરમ પૂજ્ય જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ છેલ્લાં 50-50 વર્ષોથી પ્રવચનો અને પુસ્તક લેખનના માધ્યમથી શીલ - સદાચાર - સંસ્કૃતિ રક્ષાના કાર્યો કરી રહ્યા છે. હજારો - લાખો આત્માઓના જીવન પરિવર્તન - મન પરિવર્તન અને હૃદય પરિવર્તનમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન અને પુસ્તકો નિમિત્ત બની રહ્યાં છે. ગુરુદેવશ્રીની સમાજકલ્યાણના હેતુ સાથે આરંભાયેલી સાહિત્યસર્જનની યાત્રા 500માં પુસ્તકના ઉત્તુંગ શિખરને સ્પર્શવા જઈ રહી છે. આ 500માં પુસ્તક વિમોચનનો પ્રસંગ આગામી જાન્યુઆરીમાં મુંબઇના મુલુન્ડમાં આયોજિત કરાયો છે. આ ઊર્જા મહોત્સવમાં પધારવા અને 11 જાન્યુઆરીએ 500માં પુસ્તકનું વિમોચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થાય તે ભાવના સહ તેઓને આમંત્રણ આપવા ઊર્જા મહોત્સવ સમિતિના સદસ્યો અને રત્નત્રયી ટ્રસ્ટના ટ્રસ્ટી કલ્પેશભાઈ શાહ, ડો. સંજયભાઈ શાહ, નિખિલભાઈ કુસુમગર, કૌશિક્ભાઈ સંઘવી અને પલકભાઈ શાહ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળ્યાં હતા.
વડાપ્રધાન મોદીએ પૂજ્ય ગુરુદેવશ્રી હસ્તે ચાલતાં રાષ્ટ્ર રક્ષાના, સંસ્કૃતિ રક્ષાના કાર્યોની સરાહના કરી હતી. પૂજ્ય ગુરુદેવશ્રીના પુસ્તકોના નિયમિત વાંચન તેઓના જીવનનું બળ પૂરું પાડે છે તે વાત વાગોળી હતી. સાથે સાથે જ પૂજ્ય ગુરુદેવશ્રી લિખિત 500માં પુસ્તકના વિમોચન સમારોહમાં પધારવા અને તેઓના હસ્તે જ વિમોચન થશે તેમ આશ્વાસન આપ્યું હતું એમ ઊર્જા મહોત્સવ સમિતિના અધ્યક્ષ કલ્પેશભાઈ શાહને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું.