પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવઃ હરિભક્તોના ઉતારા માટે એક હજાર ફ્લેટ આપતા અમદાવાદના બિલ્ડરો

Wednesday 16th November 2022 07:00 EST
 
 

અમદાવાદ: બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઓગણજ સર્કલ પાસે સરદાર પટેલ રિંગ રોડ પર યોજાનાર આ મહોત્સવમાં 30 દેશમાંથી લાખો હરિભક્તો આવી રહ્યા છે. તેમને રહેવા માટે બિલ્ડરોએ સ્વેચ્છાએ ખાલી પડેલા ફ્લેટ પણ આપી દીધા છે.
સાયન્સ સિટી, બોપલ, ઓગણજ, સોલા સહિતના આસપાસના મોટી સંખ્યામાં ફલેટો બુક કરાયા છે. જે બિલ્ડરોના ફ્લેટ રેડી છે પણ પઝેશન નથી આપ્યા તેવા 1 હજાર ફ્લેટ બુક કરાયા છે. મહોત્સવમાં 40 હજાર સ્વયંસેવકો દિવસ-રાત ખડેપગે રહેશે, જેમાં 1100 સ્વયંસેવકોએ પોતાના મકાનમાં બહારથી આવતા હરિભક્તોનો ઉતારો આપ્યો છે.
બીએપીએસના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું કે, અમેરિકા, લંડન, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા યુરોપ સહિત આફ્રિકા મળી કુલ 30 દેશોમાં વસતા હરિભક્તો મહોત્સવના એક સપ્તાહ પહેલાં આવી જશે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 600માંથી 200 એકર જમીનમાં આબેહૂબ ‘પ્રમુખ સ્વામી નગર’ ઊભું કરશે. 30 દિવસમાં વિવિધ 30 સાંસ્કૃતિ કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત ભવ્ય આયોજન કરાયું છે. બાકીના 400 એકરમાં સ્વંયસેવકો માટે ભોજનશાળા, રહેઠાણની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
હોટેલમાં સ્વામિનારાયણ ફૂડની વ્યવસ્થા
મહોત્સવમાં આવનાર વીઆઇપી માટે શહેરની 30 જેટલી હોટલો પણ બુક કરવામાં આવી છે, જેમાં પાંચ હોટલો આખી બુક કરાઇ છે, જ્યારે બાકીની 25 જેટલી હોટેલો 80 ટકા બુક કરી દેવાઇ છે. હરિભક્તો માટે હોટેલોએ સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરી છે.
શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા વીઆઇપી મહાનુભાવો હાજરી આપશે, તેઓ ચાર્ટર્ડ ફલાઈટમાં અમદાવાદ આવશે. વિવિધ દેશોમાંથી આવતા હરિભક્તોના આગમનથી એક મહિના સુધી એરપોર્ટ પર મુસાફરોની અવર-જવરમાં વધારો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter