પ્રમુખસ્વામી મહારાજની જન્મભૂમિ ચાણસદમાં નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ

Wednesday 12th April 2023 06:28 EDT
 
 

ચાણસદઃ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજના સંસ્મરણો વાગોળ્યા હતા. સંસ્થાના સદગુરુ સંતો પૂજ્ય ભક્તિપ્રિયસ્વામી અને પૂજ્ય ઇશ્વરચરણસ્વામીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું.
પ્રમુખસ્વામી મહારાજની બાલ્યાવસ્થા તથા શૈશવ કાળના અઢાર વર્ષના જળક્રીડા સહિતના સંસ્મરણોને સાડા આઠ દાયકાથી જીવંત રાખતા પ્રાસાદિક સરોવરનો રાજ્ય સરકાર અને બીએપીએસ સંસ્થા દ્વારા સંયુક્ત પ્રયાસોથી કાયાકલ્પ કરાયો છે.
બે લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ નારાયણ સરોવરની એક કિમી લાંબી પરિક્રમામાં બાળ શાંતિલાલના 18 વર્ષના ચાણસદ નિવાસના પ્રતીક સ્વરૂપ 100 ચોરસ ફૂટની એક એવી 18 ઘુમટી બનાવાઇ છે. અહીં ગુરુમહિમા વર્ણવતા ભજનો - સાખીની સુરાવલી સાથે રંગબેરંગી રોશનીથી ઝળહળતા જળપ્રપાત સહેલાણી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સંગીતમય ફુવારાઓ ઉપરાંત સરોવરની પશ્ચિમે મહિલાઓ અને પુરુષો માટેના બે અલાયદા સ્નાન ઘાટ બનાવાયા છે..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter