પ્રમુખસ્વામી મહારાજે વિશ્વમાં હિન્દુ ધર્મનું સંવર્ધન કર્યું છેઃ અમદાવાદમાં યોજાયું સનાતન ધર્મ સંત સંમેલન

Tuesday 30th August 2022 07:41 EDT
 
 

અમદાવાદઃ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રેરક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સમર્પિત કરવા માટે રવિવારે બીએપીએસ મંદિરે સનાતન ધર્મ સંત સંમેલનનું આયોજન કરાયું હતું. સંત સંમેલનમાં પૂ. પરમાત્માનંદજી મહારાજ (પ્રમુખ - ભારત આચાર્ય સમાજ), મોહનદાસજી મહારાજ (ગુજરાત સંત સમાજ), ચૈતન્ય શંભુ મહારાજ વગેરે સહિત 200થી વધારે સંતો-મહંતો આ સંત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

‘બીજાનાં ભલામાં આપણું ભલું છે’ એ જીવનસૂત્રને ખરા અર્થમાં આત્મસાત કરનાર પ્રમુખસ્વામી મહારાજ ઊંચ-નીચ, ગરીબ-ધનવાન, સાક્ષર-નિરક્ષર, શહેરી-ગ્રામીણ જેવા કોઈ પણ ભેદભાવ વિના સર્વના ભલા માટે જીવનભર સેવારત રહ્યા હતા. તેમણે સનાતન ધર્મની પરંપરામાં દેશ-વિદેશમાં 1200થી વધુ મંદિરો તેમજ 1000થી અધિક સંતોની સમાજને ભેટ આપીને ભારતીય સંસ્કૃતિના વિજયપતાકા વિશ્વભરમાં ફરકાવી છે. અનેક સેવાકાર્યો દ્વારા વિશ્વવંદનીય બનેલા પ્રમુખસ્વામી મહારાજ દરેક ધર્માચાર્યોના સુહૃદ હતા. પ્રત્યેક ધર્માચાર્ય સંત સ્વામીજી માટે આદરણીય હતા. પ્રત્યેક ધર્મસ્થાન પ્રમુખસ્વામી મહારાજ માટે આસ્થાનાં તીર્થ હતા.

સંતો-મહંતો સમાજનો આધારસ્તંભ
ઉપસ્થિત સંતો-મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ બાદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વતી પૂ. નારાયણમુનિ સ્વામીએ સ્વાગત પ્રવચન દ્વારા તમામ સંતોને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે સંતો સમાજનો આધાર સ્તંભ છે. સંતનું હૃદય કોમળ હોય છે અને તેમના દ્વારા સમાજમાં સુખ અને શાંતિ પ્રસરી રહ્યાં છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે જો ભારત દેશને વિકસિત દેશ બનાવવો હશે તો ‘ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા’ પણ જરૂરી છે અને અહીં પધારેલા તમામ સંતો-મહંતો ભગવાનમાં શ્રદ્ધા વધે અને સમાજમાં આધ્યાત્મિકતા વધે તેનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
મંચસ્થ સંતો-મહંતોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પ્રસંગો તેમજ ગુણોની સ્મૃતિ કરીને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં મંદિરો બનાવી હિંદુ ધર્મનું સંવર્ધન કર્યું છે. બાપા દરેકને પ્રેમ અને આદર આપતા હતા. અમે સૌ તેમના ઋણી છીએ અને તેમના ચરણોમાં વંદન કરીએ છીએ. તેઓએ સમગ્ર વિશ્વમાં વિરલ કાર્યો કર્યા છે. તેઓ સમગ્ર સંત સમાજનું ગૌરવ હતા. તેઓ સદાય સર્વને સાથે રાખીને કર્યા કરતાં. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તેઓએ હિન્દુ ધર્મની સનાતન જ્યોતને પ્રજ્વલિત રાખી છે.
સંમેલનના અંતે અમદાવાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વતી સંત પૂજ્ય યજ્ઞપ્રિયસ્વામીજીએ કાર્યક્રમનું સમાપન તથા ઉપસ્થિત સૌ સંતો-મહંતોની આભારવિધિ કરી હતી. અંતમાં આમંત્રિત સૌ મહાત્માઓનું શાલ ઓઢાડી અભિવાદન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ સમૂહમાં ઠાકોરજીની આરતી ઉતારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter