પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું 14 ડિસેમ્બરે વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

Wednesday 07th December 2022 06:11 EST
 
 

અમદાવાદ: પ.પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ આપવા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. એસપી રિંગરોડ પર ઓગણજ અને ભાડજ સર્કલ વચ્ચે 600 એકરમાં તૈયાર કરેલા પ્રમુખ સ્વામીનગરનું તેમજ મહોત્સવનું 14 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાશે. સ્વામીનગર બીજા દિવસથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે. મહોત્સવ દરમિયાન 1100 સંતો અને 40 હજાર સ્વયંસેવકો સેવા આપશે.
શતાબ્દી મહોત્સવ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના જીવનકાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને રોજેરોજ કોઇ વિષય પર એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશન કે ફેડરેશન સંલગ્ન સેમિનાર યોજાશે, બપોરે અને સાંજે વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે. બાળકો માટે 17 એકરમાં સાંસ્કૃતિક બાળનગરી તૈયાર કરાઇ છે. પ્રમુખસ્વામી મહારાજે 1100થી વધુ મંદિરોના નિર્માણની સાથે ગાંધીનગર-દિલ્હીમાં અક્ષરધામનું નિર્માણ કરાવ્યું છે ત્યારે દિલ્હીના અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ આ મહોત્સવમાં જોવા મળશે.
30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામીની પ્રતિમા
નગરમાં પ્રવેશતાં જ 15 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યારે પ્રતિમાની ચારેકોર બનાવેલા 24 બ્લોકમાં પ્રમુખસ્વામીની જીવનગાથા દર્શાવાશે. મહોત્સવ સ્થળે બનાવાયેલા થીમેટિક પાર્ક-જ્યોતિ ઉદ્યાનમાં અલગ અલગ પ્રકારના ફૂલ, પ્રાણી-પક્ષીઓ સાથે વિવિધ સંદેશ દર્શાવાશે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે 7 કલાત્મક પ્રવેશદ્વાર તૈયાર કરાયા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એસપી રિંગ રોડ પરથી જોઈ શકાશે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું હશે.
દરરોજ સાંજે મહંતસ્વામી દર્શન આપશે
શતાબ્દી મહોત્સવમાં નાગરિકો માટે 15 ડિસેમ્બરથી દરરોજ બપોરે 2થી રાતે 9 વાગ્યા સુધી તેમજ રવિવારે સવારે 9 થી રાતે 9 વાગ્યા સુધી ફ્રી પ્રવેશ અપાશે. દરરોજ સવારે 9થી 2 વાગ્યા સુધી ફક્ત રજીસ્ટ્રેશન ધરાવતા હરિભક્તોને જ પ્રવેશ અપાશે. દરરોજ સાંજે 5.30થી રાતે 8 વાગ્યા સુધી ભક્તો પ.પૂ. મહંતસ્વામીના દર્શનનો લાભ લઈ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter