અમદાવાદ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ એક અનોખી પહેલ કરી. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા મંગળવારે વડાપ્રધાનના નિરામય દીર્ઘાયુષ્ય અને ભારતના સર્વાંગી વિકાસ માટે મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ઋષિકુમારોએ વડાપ્રધાનરીના 75 વર્ષ પૂર્ણ થતાં હોઈ 75,000 આહુતિઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમમાં, વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઋષિકુમારોએ ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી. યજ્ઞની પવિત્ર અગ્નિમાં આહુતિઓ અર્પણ કરીને, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે, તેમણે ભારત દેશની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે પણ ભગવાનના આશીર્વાદ માંગ્યા હતા. આ પ્રસંગે, વિદ્યાર્થીઓએ જણાવ્યું કે લોકલાડીલા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આ યજ્ઞ થકી તેઓ દેશના કલ્યાણ અને વડાપ્રધાનના સુખમય જીવન માટે પોતાની શ્રદ્ધા અને પ્રાર્થના વ્યક્ત કરી રહ્યા છે.