કમ્પાલાઃ યુગાન્ડાના ગુલુ ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ અને પ્રેરણા થકી પુનઃનિર્મિતBAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 9થી 11 ઓક્ટોબર 2026 દરમિયાન ઐતિહાસિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. યુગાન્ડા, કેન્યા, રવાન્ડા, ભારત અને યુકેમાંથી 1000થી વધુ હરિભક્તો મહોત્સવમાં સામેલ થયા હતા. પૂજ્ય ધર્મચરણદાસ સ્વામી, પૂજ્ય નંદકિશોરદાસ સ્વામી, પૂજ્ય પ્રિયવ્રત દાસ સ્વામી તેમજ ભારત અને આફ્રિકાના વરિષ્ઠ BAPS સ્વામીઓ દ્વારા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરાની પવિત્ર મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિઓ કરવામાં આવી હતી. યુગાન્ડાના પૂર્વ ચીફ જસ્ટિસ સહિતના મહાનુભાવો ઉજવણીમાં હાજર રહ્યા હતા. ગુલુ સિટીના મેયર દ્વારા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ગુલુને શ્રેષ્ઠ ઈમારતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 10 ઓક્ટોબરે ગુલુ શહેરમાં શણગારાયેલા રથમાં પવિત્ર મૂર્તિઓ સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી. 11 ઓક્ટોબરે મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે ઉજવણીનું સમાપન કરાયું હતું. યુગાન્ડાના જસ્ટિસ અને બંધારણીય બાબતોના મિનિસ્ટર નોર્બર્ટ માઓ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


