આણંદઃ મધ્ય ગુજરાતના વિખ્યાત નિજાનંદ રિસોર્ટ એન્ડ સ્પા ખાતે લાભપાંચમના પવિત્ર અવસરે યોગેન્દ્રભાઈ અને મીનુબેનના નિમંત્રણથી મહાપૂજા અને મહાપ્રસાદનું ભક્તિભાવપૂર્ણ આયોજન કરાયું હતું. સંત ભગવંત પૂ. સાહેબદાદાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંતો, હરિભક્તો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂ. ડોક્ટરદાદા, પૂ. પુનમદાદા અને પૂ. હર્ષદદાદાના પ્રાગટ્ય પર્વના અનુસંધાનમાં દર વર્ષે લાભપાંચમના દિવસે આ મહાપૂજા અને મહાપ્રસાદનું આયોજન કરાય છે. ગુરુચરણોમાં કૃતજ્ઞતા, ભક્તિ અને સમર્પણ વ્યક્ત કરવાનો આ પ્રસંગ સૌ માટે આધ્યાત્મિક આનંદનો અવસર બન્યો હતો.
પ્રારંભમાં યોગેન્દ્રભાઈએ આત્મીય સ્વાગત પ્રવચનમાં ગુરુનિષ્ઠા અને સેવાભાવની અભિવ્યક્તિ કરતાં ‘સેવા સેતુ’ નામની હમણાં જ શરૂ કરેલ સેવા પ્રવૃત્તિનો વિશેષ પરિચય આપ્યો હતો. આ પહેલ અંતર્ગત યુકેમાંથી દાનમાં મળતાં વસ્ત્રો તથા અન્ય આવશ્યક સામગ્રી ભારત લાવી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની સેવા શરૂ કરાઇ છે. પોતાની ભાવના વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારે અમારા માટે ધન નથી જોઈતું, પરંતુ આપની સેવા કરી શકીએ તેટલું ધન આપજો.’ તેમની આ પ્રાર્થના સંપત્તિને વ્યક્તિગત વૈભવને બદલે પ્રભુસેવા અને સમાજ સેવાનું માધ્યમ બનાવવાની ભાવનાનું સુંદર પ્રતિબિંબ છે
આ પ્રસંગે પૂ. સાધુ મનોજદાસજીએ પણ લાભપાંચમના પર્વની આધ્યાત્મિક મહત્તા સમજાવતાં પાંચ લાભની સુંદર અને પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી.
આશીર્વચન આપતાં સંત ભગવંત પૂ. સાહેબદાદાએ જણાવ્યું હતું કે, ‘અહીં શ્રી ઠાકોરજી બિરાજમાન છે, સંતો બિરાજમાન છે અને પરમ એકાંતિક ભક્તો પણ બિરાજમાન છે. તેથી આ સભા અક્ષરધામતુલ્ય છે.’ તેમણે યોગેન્દ્રભાઈએ કરેલી પ્રાર્થના પ્રભુ સાંભળે અને પૂર્ણ કરે તેવ આશીર્વાદ પાઠવી સૌને વિશેષ બે મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવી હતી. વધુમાં તેમણે યોગેન્દ્રભાઈના સમગ્ર પરિવારની મુમુક્ષુતા, સમૃદ્ધિ હોવા છતાં સેવામાં અગ્રેસર રહેવાની ભાવના અને ભક્તિભાવની પ્રશંસા કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
યોગેન્દ્રભાઈએ વિદ્યાનગરની વી.પી. સાયન્સ કોલેજમાં સદગુરુ પુનમદાદા અને સદગુરુ હર્ષદદાદા સાથે બી.એસસી.નો અભ્યાસ કર્યો હતો. તેમના વિદ્યાગુરુ સદગુરુ શાંતિદાદા પાછળથી તેમના આધ્યાત્મિક ગુરુ પણ બન્યા હતા. અભ્યાસ બાદ યુકેમાં સ્થાયી થઈ તેમણે વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ કરી છે. યુકે ઉપરાંત ભારતમાં વિદ્યાનગર, દિલ્હી, બેંગલુરુ અને પોતાના વતન કલોલમાં પણ તેમનો વ્યવસાય વિસ્તરેલો છે. અનુપમ મિશન, ઇંગ્લેન્ડના ટ્રસ્ટી તરીકે તેઓ અને પૂજ્ય મીનુબેન મંદિર તથા મિશનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપે છે.
કાર્યક્રમના અંતે મીનુબેને સૌ સંતો, મહેમાનો અને હરિભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં સૌને પ્રેમભર્યા આત્મીય આતિથ્ય સાથે સુરુચિપૂર્ણ ભોજન અને પરંપરાગત પુરણપોળીનો મહાપ્રસાદ જમાડ્યો હતો.


