અમદાવાદઃ વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ થયું અને હવે ગર્ભગૃહ સહિત સમગ્ર પરિસરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2020 વિશ્વ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ વખતે ભાગીરથી મા ગંગાના પવિત્ર જળથી ભરેલા 108 કળશનું પૂજન કરાયું હતું. જે કળશનું આજે ફરી વખતે પૂજન કરી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં 108 દંપતી-યજમાનો દ્વારા સ્થાપિત કરાયા હતા. આ સાથે જ ભારતની પવિત્ર 108 નદીઓના જળથી સમગ્ર ગર્ભગૃહને પવિત્ર કરવામાં આવ્યું અને 108 નદીઓના પવિત્ર જળથી ભરેલા કળશનું પૂજન કર્યા બાદ માતાજીના સ્થાન નીચે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયાધામમાં જ્યાં મા ઉમિયા બિરાજમાન થવાના છે તે ગર્ભગૃહની નીચે મા ગંગાના જળની ભરેલા 108 કળશ અને શાસ્ત્રોમાં ઉલ્લેખીત ભારતની પવિત્ર 108 નદીના જળથી ભરેલો કળશ પ્રસ્થાપિત કરાયો છે.
આ કળશમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, ક્ષિપ્રા, કાવેરી, કૃષ્ણા, બ્રહ્મપુત્રા સહિતની 108 નદીઓના પવિત્રના જળ સમાવિષ્ટ છે. વિદ્વાન બ્રાહ્મણો અને સજ્જનોના અથાગ પ્રયત્નોથી કાશ્મીર, હિમાલય, અરૂણાચલ અને દક્ષિણ ભારતના વિભિન્ન ભાગોમાં આવેલી નદીઓના પવિત્ર જળ ગ્રહણ કરાયું છે. આગામી દિવસો વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલશે. સાથે ડિસેમ્બર 2027માં મા ઉમિયા ભવ્ય અને દિવ્ય વિશ્વઉમિયાધામ મંદિરમાં બિરાજમાન થશે અને ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાશે.


