વિશ્વપ્રસિદ્ધ ગઢડા (સ્વામીના) BAPS મંદિરનો 71મો પાટોત્સવ ઉજવાયો

Friday 20th May 2022 06:56 EDT
 
 

ગઢડા (સ્વામીના)ઃ ગઢડા (સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી 200 વર્ષ પૂર્વે, ગઢડાને ૨૫ વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો કરી આ ભૂમિને તીર્થત્વ આપ્યું છે. એટલું જ નહીં, અહીં ઘેલા નદીના કિનારે સ્વહસ્તે માપ લઇને સુંદર મંદિર કરવાનો પણ સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ મુજબ આજે ઘેલા નદીને કિનારે સુંદર નયનરમ્ય મંદિર નિર્માણ પામ્યું છે.
જોતા જ આંખમાં વસી જાય એવું સુંદર શિલ્પ સ્થાપત્ય, સુંદર નયનરમ્ય બાગ-બગીચા, આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન, ભગવાન સ્વામિનારાયણના પ્રાસાદિક જીવા ખાચરનો દરબારગઢ, માણકી ઉપર અસવાર ભગવાન સ્વામિનારાયણની 25 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ! આવા અનેક દર્શનીય સ્થાનોને લઈને સમગ્ર વિશ્વનાં ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરનો 71મો પાટોત્સવ તારીખ 10 અને 11 મેના રોજ ભવ્યતાથી યોજાયો હતો.
આ પ્રસંગે પહેલા દિવસે ભવ્ય કળશ યાત્રાનું આયોજન થયું હતું. આ માટે ઘેલા નદીના પવિત્ર જળનું વેદોક્ત વિધિથી પૂજન કરીને કાવડ અને કળશમાં જળ ભરીને યાત્રા સ્વરૂપે મંદિરે લાવવામાં આવ્યું હતું. આ જલયાત્રા મંદિરના પ્રવેશદ્વાર આગળ આવેલી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી અને ઉપસ્થિત સૌ ભક્તોએ સમૂહ આરતી ઉતારીને ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું. આ પ્રસંગે વિશિષ્ટ સત્સંગ સભાનું આયોજન પણ કરાયું હતું.
બીજા દિવસે સવારે પાટોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. વેદોક્ત વિધિપૂર્વક પાટોત્સવની વિધિ સંપન્ન કરી ઠાકોરજીને પંચામૃત તેમજ કેસરયુક્ત જળથી અભિષેક કરાયો હતો. ત્યારબાદ વિવિધ વાનગીઓના અન્નકૂટ સાથે આરતી કરવામાં આવી હતી. આ પાટોત્સવ નિમિત્તે સભામાં સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પ.પૂ. ડોક્ટર સ્વામી તેમજ સારંગપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, લીંબડી, ભાદરા, અમરેલી વિગેરે મંદિરોના સંતો તેમજ ગાંધીનગર પાસે આવેલ વાવોલ ગામના રામજી મંદિરના મહંત પૂ. મધુસુદનદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય સંતોના પ્રાસંગિક પ્રવચન બાદ પ.પૂ. ડોક્ટર સ્વામીએ આશીર્વચનનો લાભ આપ્યો હતો. આ સભામાં ગઢડા શહેરના સ્થાનિક અગ્રણીઓ તેમજ સમગ્ર સત્સંગમાંથી ખુબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter