વીરાસતના સેતુ, સાંત્વના અને સંબંધોના સ્રોત ધ ભવનમાં દિવાળીની ઊજવણી

રુપાંજના દત્તા Wednesday 26th November 2025 06:11 EST
 
 

લંડનઃ ભવન્સ દ્વારા શનિવાર 22 નવેમ્બર 2025ના રોજ પોર્ટમેન સ્ક્વેરની નોબુ હોટેલના બેન્ક્વેટ હોલમાં દિવાળીની ભવ્ય ઊજવણી કરાઈ હતી. આવકારપૂર્ણ વાતાવરણમાં ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE દ્વારા પ્રવેશદ્વાર પર મહેમાનોનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધ ભવનના વિદ્યાર્થીઓએ નિવાસી સિતારગુરુ ઉસ્તાદ મેહબૂબ નદીમ દ્વારા રચાયેલા અને કન્ડક્ટ કરાયેલા મ્યૂઝિક પરફોર્મન્સ રજૂ કરવા સાથે સંધ્યાનો આરંભ થયો હતો. આ પછી, ડો. નંદકુમારાની રાહબરીમાં ઈંગ્લિશ ભાષાંતર સાથે પ્રાર્થનાગાન કરાયું હતું. ભવન્સના ઈવેન્ટમાં અતિથિવિશેષપદે બિઝનેસવુમન, ફીલાન્થ્રોપિસ્ટ અક્ષતા મૂર્તિ સુનાક હતાં. તેમની સાથે તેમના પિતા, ઈન્ફોસીસના સ્થાપક પદ્મવિભૂષણ એન.આર. નારાયણમૂર્તિ CBE તેમજ તેમના સાસુ-સસરા ડો. યશવીર અને ઊષા સુનાક હતા. મુખ્ય મહેમાન યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી તેમના પત્ની સંગીતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ચાવીરુપ મહેમાનોમાં લોર્ડ પોપટ, લોર્ડ નવનીત ધોળકીઆ અને લેડી એન ધોળકીઆ , પુત્ર ગિરિશ સંઘેર સાથે સુનિતા સંઘેર, કાઉન્સિલર અમીત જોગીઆ MBE, ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર કોઓર્ડેનેશન દીપક ચૌધરી અને તેમના પત્ની, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલ સહિતના મહાનુભાવોનો સમાવેશ થયો હતો.

ભવન્સના ચેરમેન સુભાનુ સક્સેનાએ મહેમાનો, પેટ્રન્સ અને સમર્થકોને આવકાર આપવા સાથે ભારતીય કળા અને સંસ્કૃતિને આગળ વધારવાના ધ ભવનના પ્રયાસો વિશે જણાવ્યું હતું. ઈવેન્ટના સુચારુ આયોજન બદલ તેમણે ડો. સુરેખા મહેતાની પ્રશંસા કરી હતી તેમજ સતત સપોર્ટ આપવા માટે મૂર્તિ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ભવન્સના વેસ્ટ કેન્સિંગ્ટન પ્રીમાઈસીસ ખાતે પાર્કિંગ નિયંત્રણોથી સર્જાયેલા પડકારો વિશે જણાવી સ્થાનિક કાઉન્સિલને નિર્ણયની પુનઃવિચારણા કરવા માટે કરાયેલી પિટિશનમાં સપોર્ટનો અનુરોધ કર્યો હતો.

ત્રણ પેઢીઓ સુધી વિસ્તરેલો સંબંધઃ અક્ષતા મૂર્તિ સુનાક

અતિથિવિશેષ અક્ષતા મૂર્તિ સુનાકે સંબોધનમાં ભવન્સ સાથે દીર્ઘકાલીન સંબંધો તેમજ સંસ્થા સાથે તેમના સંબંધોને ઘડવામાં માતા સુધા મૂર્તિનાં પ્રભાવ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘હું 20 વર્ષની વયે યુરોપનો પ્રવાસ કરવા ઉત્સુક હતી, પરંતુ મારાં માતાપિતાએ તેમના મિત્રોમાંથી કોઈ સાથે નિયમિત સંપર્કમાં રહ્યાં વિના પ્રવાસે મોકલવાનો ઈનકાર કર્યો હતો. મારી માતાને લંડનમાં ભારતીય વિદ્યા ભવનનો વિચાર આવ્યો. આ સલામત સ્થળ હતું, ઓછું ખર્ચાળ હતું અને સૌથી મહત્ત્વની બાબત એ હતી કે તે ઘરથી પણ દૂર એક ઘર સમાન હતું. હું ખુશ ન હતી. મારે તો કેટલાક મિત્રો સાથે જન્કી યુથ હોસ્ટેલમાં રહેવું હતું. જ્યારે આ તો ભારતીય કોમ્યુનિટી સેન્ટર હતું અને પેરન્ટ્સના મિત્રો સાથે રહેવાનું હતું. નંદા અંકલ અને યુવાન રઘુ,તેની બહેન સીતા અને જાનકી આન્ટી સાથે મુલાકાત થતાં આ બધું જ બદલાઈ ગયું. તેમની હૂંફ, સ્નેહ અને મારાં પર નજર રાખવાની કાબેલિયત, જાણે હું ઘરમાં જ હતી. વિદેશની ધરતી પર પ્રવાસ કરતી યુવાન વ્યક્તિ માટે પરિચિત સુગંધો અને અવાજો, ખરેખર મારે આની જ જરૂર હતી...’

તેમણે પોતાના લગ્નમાં નંદાજીના આશીર્વાદ તેમજ યુકેમાં પરિવારની સ્થાપના, 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં નિવાસ અને દિવાળીની ઊજવણીમાં તેમના સપોર્ટ વિશે પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘2020ના કોવિડકાળમાં રિશિ સુનાક, દીકરીઓ સાથે ચાન્સેલર નિવાસમાં વસવાટ સમયે પણ નંદાજીના આશીર્વાદ સાથે હતા. નંદાજીએ આપણા ધર્મ, આપણું કર્તવ્ય તેમજ દેશ માટે ઉથલપાથલ અને પરિવારના ઘડતર વિશે સમજ આપી હતી. મારાં પતિ પ્રાઈમ મિનિસ્ટર હતા ત્યારે આપણે કોણ છીએ, આપણી સંસ્કૃતિ શું છે, પરંપરાઓ અને મૂલ્યોની જાળવણીની સમજ અને ઊજવણી સમયે નંબર 10ના પ્રવેશદ્વારે દીપક પ્રગટાવાયા હતા. અમે કદી વારસાથી દૂર ભાગ્યા નથી કે સંકોચ રાખ્યો નથી. આ શ્રદ્ધા મારાં પરિવારના શિક્ષણ તેમજ ભવન્સ જેવી સંસ્થાઓનાં કારણે જ આવી છે.’

અક્ષતા મૂર્તિ સુનાકે ‘વિદ્યાલય’ના હાર્દરૂપ મૂલ્યો પર પ્રકાશ પાથરતાં શિક્ષાપ્રાપ્તિ, સાંસ્કૃતિક સંપર્કો, અને સામુદાયિક ભાવના વિકસાવવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ભવન ભારતીય કળાઓ અને સંસ્કૃતિનું શિક્ષણ આપે છે, વિવિધ વયજૂથોમાં સંગીતથી માંડી નૃત્ય અને ભાષાકીય શાખાઓમાં વિદ્યા-જ્ઞાન આપે છે. તે લોકોને સાથે લાવે છે અને તેમને સહુને સાર્વત્રિક મૂલ્યોની જાળવણી, ભૂમિ પ્રત્યે આદર, કોમ્યુનિટીની સેવા, સંવાદિતા અને અનુકંપાને પ્રોત્સાહનની પ્રેરણા આપે છે. હું આ વખતે ભાવિ પેઢી સાથે ભવનમાં આવી છું. મારી નાની દીકરી અનુષ્કા ભવનમાં પ્રતિષ્ઠિત ગુરુ કુચિપુડી નૃત્યાંગના અરુણિમા કુમાર પાસે કુચિપુડી નૃત્ય શીખી રહી છે. નૃત્ય અને જોશ સાથે અનુષ્કાની યાત્રા થકી હું પણ 45 વર્ષની વયે આ નૃત્ય શીખવા ભવનમાં પરત આવી છું.’ તેમણે સમાપનમાં કહ્યું હતું કે, ‘ભારતીય વિદ્યા ભવન આપણા વારસા માટેનો સેતુ, કમ્ફર્ટ અને જોડાયેલાં રહેવાનો સ્રોતના પ્રતિનિધિ સમાન છે. આપણાં મૂળ સાથે સંપર્ક આપણી માતા, આપણું ઘર સહિતની અંતરેચ્છાઓને પરિપૂર્ણ કરે છે. ભારતીય વિદ્યા ભવન જેવી સંસ્થાઓ કોમ્યુનિટીને ઊંચે ઉઠાવે છે, યુવા મનોને શિક્ષિત કરે છે, નોંધપાત્ર કૌશલ્યનું નિર્માણ કરે છે અને સારાં મૂલ્યોને વિસ્તારે છે.’

મુખ્ય મહેમાન હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ પ્રેરણાદાયી સંબોધનમાં ભારતીય કળાઓને ઉત્તેજન અને જાળવણીમાં ભવનના નિરંતર પ્રયાસોને બિરદાવવા સાથે ભવન્સ સાથે અંગત અનુભવો પણ વર્ણવ્યા હતા. તેમણે ભારતની ટેક ઈન્ડસ્ટ્રીમાં નારાયણ મૂર્તિના યોગદાન વિશે પણ વાત કરી હતી અને તેમનો ઉલ્લેખ ‘રીઅલ ટેક રોકસ્ટાર’ તરીકે કર્યો હતો.

આભાર પ્રસ્તાવ અગાઉ, સ્ટેલા સુબ્બાઈઆહ અને કેન્ડિડા કોનોલીએ ભવન્સના આઉટરીચ કાર્યો વિશે જણાવ્યું હતું. સમગ્ર ઈવેન્ટના આયોજન પર દેખરેખ રાખનારાં અને ધ ભવનના ઉપાધ્યક્ષ ડો. સુરેખા મહેતાએ ચીફ ગેસ્ટ, ગેસ્ટ ઓફ ઓનર અને અન્ય મહેમાનોને ઈવેન્ટમાં હાજરી આપવા અને સપોર્ટ દર્શાવવા બદલ હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહેમાનો અને આયોજકોએ ભવનના અગ્રણી પેટ્રન જોગીન્દર સંઘેર, લોર્ડ સ્વરાજ પોલ અને જીપી હિન્દુજાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ચેલ્લારામ ફાઉન્ડેશન દ્વારા સ્પોન્સર કરાયેલા ઈવેન્ટમાં અભિનવ શંકર મિશ્રા અને શ્રીતામા મુખરજીના શિષ્યો દ્વારા કથક નૃત્ય તેમજ ગુરુ પ્રકાશ યડાગુડ્ડેના શિષ્યો દ્વારા ભરતનાટ્યમ નૃત્યો પ્રસ્તુત કરાયાં હતાં. રેવા દ્વારા ભવનની વાર્ષિક કામગીરી દર્શાવતી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી. અભિનવ શંકર મિશ્રા, અરુણિમા કુમાર અને કેટરિના રુટે દ્વારા કોરિઓગ્રાફી કરાયેલા ઓડિસી, કથક અને કુચિપુડી તાલવાદ્ય રચના સાથે ઈવેન્ટનું સમાપન કરાયું હતું .

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter