લંડનઃ શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર- ફોરેસ્ટ ગેટ દ્વારા આયોજિત તુલસીવિવાહ સમારંભમાં લંડન અને આસપાસના વિસ્તારોમાંથી સેંકડો ભક્તોએ હાજરી આપી આનંદપૂર્વક ઊજવણી કરી હતી. કન્યાપક્ષનું પ્રતિનિધિત્વ મુરજીભાઈ માવજીભાઈ હિરાણી અને પુષ્પાબહેન મુરજીભાઈ હિરાણી (ગામ- માનુકૂવા)એ કર્યું હતું જ્યારે વરપક્ષ તરફથી કિશોરભાઈ ધનજીભાઈ વરસાણી અને પ્રિતિબહેન કિશોરભાઈ વરસાણી (ગામ- ભારાસર)એ પ્રતિનિધિત્વ કર્યું હતું
દિવાળીના ઉત્સાહી પર્વના 11 દિવસ પછી તુલસીવિવાહનો પ્રસંગ આવે છે. તુલસીવિવાહ પવિત્ર હિન્દુ ઉત્સવ છે, જેમાં પવિત્ર તુલસી (માતા લક્ષ્મીનું સ્વરૂપ)ના છોડનું ભગવાન વિષ્ણુ અથવા તેમના અવતાર શ્રી કૃષ્ણ ( સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાલજી મહારાજ) સાથે પવિત્ર લગ્નબંધન સંયોજાય છે. આ લગ્નવિધિમાં ભગવાન વિષ્ણુના પ્રતીક સ્વરૂપે તેમનું શાલીગ્રામ સ્વરૂપ મૂકવામાં આવે છે. તુલસીવિવાહ સાથે વર્ષા ઋતુનો અંત આવે છે તેમજ હિન્દુ ધર્મ અનુસાર લગ્ન સહિતના શુભ કર્મોનો આરંભ થાય છે.


