શ્રી દ્વારકેશલાલજીના સાન્નિધ્યમાં વેમ્બલીના શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ યોજિત 'આરોગ્યવર્ધિની યજ્ઞ' સંપન્ન

કોકિલા પટેલ Wednesday 25th May 2022 07:23 EDT
 
 

ગત ગુરૂવાર, ૧૯ મે'ના રોજ વેમ્બલીના શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ, શ્રી સનાતન મંદિરના ગોકલદાસ હોલમાં "આરોગ્યવર્ધિની યજ્ઞ"નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની પુષ્ટીમાર્ગીય હવેલીના પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજીના સાન્નિધ્યમાં યોજાયેલ "આરોગ્યવર્ધિની યજ્ઞ"માં લગભગ ૩૦૦થી વધુ વૈષ્ણવોએ ભાગ લીધો હતો. સવારે યજ્ઞનો સંકલ્પવિધિ કરાવ્યા બાદ બપોરે ૪.૦૦ વાગ્યાથી બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત શ્લોકોચ્ચાર સાથે યજ્ઞમાં હોમાત્મકવિધિ કરાવી હતી. યજ્ઞવિધિ થતા પહેલાં શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જેજેશ્રીને પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન નરેન્દ્રભાઇએ શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટના પેટ્રન જેજેશ્રી દ્વારકેશલાલજીનું અભિવાદન કરતાં જણાવ્યું કે, “૭૦ના દાયકામાં ઇસ્ટ લંડનસ્થિત લેટનસ્ટોન ખાતે શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટના નેજા હેઠળ પહેલું મંદિર શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી (પૂ.દાદાજી)ના વરદ હસ્તે ખુલ્લુ મૂકાયું હતું અને એના પ્રમુખ તરીકે પહેલીવાર તેમણે શ્રી વલ્લભનિધિ નામ આપ્યું હતું. ત્યારબાદ ૯૦ના દાયકામાં વેમ્બલીના ઇલીંગ રોડ પર વિશાળ જગ્યા પર વલ્લભનિધિ ટ્રસ્ટના નેજા હેઠળ શ્રી સનાતન મંદિરની સ્થાપના થઇ. આ જગ્યાએ રાજસ્થાનના પથ્થરોને સોલા ખાતે કંડારીને અહીં ભવ્ય મંદિરના નિર્માણ માટે લવાયા હતા. મંદિર બાંધકામ દરમિયાન અનેક અડચણો ઉભી થઇ અને મંદિરનું કામ ખોરંભે પડ્યું હતું ૨૦૦૮માં ચેરમેન તરીકે મેં હોદ્દો સંભાળ્યો ત્યારે મંદિરનું ૬૦ થી ૭૦ ટકા બાંધકામ થયું હતું. મંદિર નિર્માણ કરવા પાંચથી સાડા પાંચ મિલિયન પાઉન્ડની જરૂરત હતી એ વખતે ઓવરડ્રાફટ છ મિલિયન હતો અને મંદિર કમ્પલીટ કરવા સાડા પાંચ મિલિયનની જૃુર હતી. એવા સંજોગોમાં ૨૦૦૯માં વડોદરાથી યુ.કે. પધારેલા જેજેશ્રી દ્વારકેશલાલજી મને મળ્યા અને મારા આમંત્રણથી મારા ઘરે પધાર્યા. એ વખતે મારા ટ્રસ્ટબોર્ડને પણ આમંત્રણ આપ્યું. જેજેશ્રી સાથે ત્રણેક કલાક ચર્ચા કરીને જેજેશ્રીને અમારા પેટ્રન બનવા વિનંતી કરી અને તેઓશ્રીએ અમને મંજૂરી આપી માર્ગદર્શન આપ્યું. જેજેશ્રી આજે ફરી આ ભવ્ય હોલમાં પધાર્યા છે ત્યારે એમનું અભિવાદન કરતાં અમે ગર્વ સહ આનંદ અનુભવીએ છીએ.”
વલ્લભનિધિ ટ્રસ્ટના ચેરમેન અને ટ્રસ્ટીઓ ગોરાંદેબેન ભટ્ટ, મહેન્દ્રભાઇ પટેલ, રસિકાબહેન પટેલ, ગુજરાત સમાચારના તંત્રી સી.બી.પટેલ સહિત સૌ મહાનુભાવોને જેજેશ્રીએ ઓપરણું ઓઢાડી સનમાનિત કર્યા બાદ આશીર્વચન આપતાં કહ્યું કે, “ આરોગ્યવર્ધિની યજ્ઞમાં અગ્નિ પ્રજવલિત થઇ રહ્યો છે ત્યારે એટલું કહેવાનું કે, પહેલુ સુખ તે જાતે નર્યા. અંગ્રેજીમાં કહીએ તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણા ચાર વેદોમાં ભગવાન શ્રી કૃષ્ણએ યજુર્વેદમાં વૈદિક મંત્રો કહ્યા છે એ આપણને થતા રોગને અટકાવે છે અને રોગ થયા પછી એનો જલ્દી ઉપચાર કરે એવા મંત્રો છે. કોઇને હાર્ટની તકલીફ, કોઇને કિડનીની તકલીફ તો કોઇને હાડકાંની તકલીફ હોય એવા અલગ પ્રકારના ૧૧ રોગોના ઉપચાર કેવી રીતે થઇ શકે એનું એક મનોમંથન કરી, એના એક શોધગ્રંથ, થીસીસ લખીને વિશેષ ઉપચાર ગ્રંથ લખાઇ રહ્યો છે.”
"મનુષ્યના ત્રણ પ્રકારના રોગ છે, મન રોગ, તન રોગ અને ભવ રોગ. તન રોગ ફીઝીકલ ડિઝીઝ છે, મન રોગ ઇમોસ્નલ, સાઇકોલોજીકલ છે અને ભવ રોગ એ મુક્તિની પ્રાપ્તિ માટે વ્યક્તિના મનમાં ચિંતા રહેતી હોય, પાપ અને પૂણ્યના વિચાર કરતો હોય. તન રોગ ઔષધિથી મટી શકે, મન રોગ અટકાવવા મંત્રોચ્ચાર અને સાથે સાથે પોતાની જાત સાથેની ટ્રાન્સપરન્સી જરૂરી છે. મનરોગી વ્યક્તિ એટલો બધો ગૂંચવાયેલો છે જે પોતાની સાથે પણ એટલો બધો વફાદાર રહી શકતો નથી. એવી સ્થિતિમાં મનરોગ દૂર કરવા તમે જેમાં માનતા હોય એમાં અનન્ય શ્રધ્ધાપૂર્વક નિરંતર મંત્રોનું ચેન્ટીંગ કરીએ તો મનનો ઉપચાર થઇ શકે છે.”
"ભવ રોગ માટે યાત્રા કરીએ, દર્શન, જપ-તપ કરીએ, સેવા કરીએ તો ભવરોગની નિવૃત્તિ મળે. વલ્લભાચાર્ય મહાપ્રભુજી મોક્ષ માટે કહે છે કે આપણને મોક્ષ મળી જાય પણ આપણા ગયા પછી મોક્ષ મળ્યું કે નહિ એની આપણા સ્વજનોને ખબર નથી પડતી. આપણા પૂર્વજો કયાં જન્મ્યા છે તેની ખબર નથી પણ જે સ્વજનો ગયા છે ત્યાં અમારા કરેલાં પૂણ્ય પહોંચે છે. ૯૦ વર્ષના જીવન દરમિયાન ૫૦ વર્ષ તમે નોકરી-ધંધો, કૌટુંબિક ફરજોમાં વિતાવ્યાં બાકીના ૪૦ વર્ષ દરમિયાન તમે જે કાંઇ દાન પૂણ્ય, યાત્રા, જપ-તપ, યજ્ઞ, જન કલ્યાણના કાર્ય કર્યા હોય તો વિષ્ણુ પુરાણમાં આવે છે એમ પૂણ્યનો ક્ષય થાય પછી પુનર્જન્મ થાય. ઇષ્ટદેવમાં અતૂટ શ્રધ્ધા અને ગુરૂદેવ પ્રત્યેનો પૂર્ણ સમર્પણભાવ હોય, એમના ચરણાવિંદનો દ્રઢ આશ્રય હોય- એ માટે આપણે કોઇપણ પંથ, ગ્રંથ અનુસરતા હોય કે એના સાધ઼ક હોય પણ ઉપરોક્ત બે વસ્તુ હોય તો દુનિયાની કોઇ વસ્તુ આપણને ઇશ્વર ચરણ પામવાને રોકી શકતી નથી. સર્વે ભદ્રાણી પશ્યન્તુ- આપણી કાયા છે તો માયા છે. આપણી કોઇ પણ ઇન્દ્રિય નકામી હોય તો શરીરની આખી મશીનરીને નબળી કરી નાખે છે. આપણે સ્થાપિત દેવતાઓ સમક્ષ આજે નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે એમાં આપ સૌનું જીવન નવપલ્લવિત થાય, મન પ્રસન્ન બને, આપણે સૌ પ્રસન્ન રહીએ, સંપન્ન બનીએ એવી ભાવના સાથે યજ્ઞમાં આહુતિ આપી સૌ તંદુરસ્ત રહો એવી ભાવના-પ્રાર્થના સાથે યજ્ઞમાં આહુતિ અર્પીએ.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter