સંતાનોને સંસ્કાર આપો, નહીં તો સંપત્તિ ને સંતતિ બંને ગુમાવશોઃ પૂ. મહંતસ્વામી

Wednesday 04th January 2023 05:14 EST
 
 

અમદાવાદ: પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સોમવારે બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા 1954માં શરૂ કરાયેલી બાળપ્રવૃત્તિને પ્રમુખસ્વામી મહારાજે વિશાળ વટવૃક્ષરૂપે વિસ્તારી છે. વર્તમાનકાળે પ.પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં સમગ્ર વિશ્વમાં 5 ખંડોમાં, 40 દેશોમાં, 1.50 લાખ જેટલાં બાળકો, 20 હજાર જેટલાં બાળ બાલિકા કાર્યકરો આ બાળપ્રવૃત્તિમાં જોડાયેલા છે. આ પ્રસંગે પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં બાળ સંસ્કારના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે બાળકોને કહ્યું છે કે, તમે નિયમિત પૂજા કરો, સારો અભ્યાસ કરો, માતા પિતાને પગે લાગો એ અમારી સેવા છે. પ્રમુખસ્વામી મહારાજે વાલીઓને કહ્યું હતું કે, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપતિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. સોમવારે ધૂન અને પ્રાર્થના સાથે સંધ્યાસભાનો આરંભ થયો હતો. જેમાં 65 જેટલાં બાળકોએ સુમધુર કંઠે કીર્તનભક્તિમાં સૌને તરબોળ કર્યા હતા. ત્યારબાદ બીએપીએસ બાળપ્રવૃત્તિના બાળકો દ્વારા વિવિધ સંવાદો અને નૃત્યો દ્વારા બાળપ્રવૃત્તિના મૂલ્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિશ્વવ્યાપી બીએપીએસ બાળપ્રવૃત્તિની ઝલક દર્શાવતો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. સાથે સાથે જ બાળપ્રવૃત્તિમાં જોડાઈને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરનારાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. બાળકોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાળસ્નેહી મહંત સ્વામી મહારાજ સાથે બાળકોએ સ્ટેજ ૫૨ રમતમાં સામેલ થવાનો લાભ લીધો હતો.
સંધ્યા સભામાં સંતો-મહંતો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વવિખ્યાત વાંસળી વાદક હરિપ્રસાદ ચૌરસિયા, બિલાડાના દિવાન માધવસિંઘજી દિવાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સુનિલ દેશપાંડે, પ્રદેશ ભાજપના મહામંત્રીઓ, રત્નાકરજી, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલ, જોધપુરના પૂર્વ મેયર રામેશ્વર દધીચ, સહસ્થાપક એનજે ગ્રૂપના જિજ્ઞેશ દેસાઇ, MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ પ્રો. ડો. વિશ્વનાથ કરાડ, એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ - MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી રાહુલ કરાડ, ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયશનના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયા, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના પૂર્વ ઉપ-કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ સહિતના મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપી હતી.
નાનપણથી બાળમંડળનો સભ્ય છુંઃ ચૌહાણ
આ પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઇઓ આશિષ ચૌહાણે કહ્યું હતું કે હું પ્રમુખસ્વામી મહારાજ સાથે 1950થી જોડાયેલો છું, નાનપણથી બાળ મંડળનો સભ્ય છું અને પ્રમુખસ્વામી મહારાજે અમને સૌને ઉચ્ચ જીવન જીવવાના પાઠ શીખવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે, તમે સારા કામો કરશો તો અમે રાજી રહીશું, અને સહન કરશો તો સુખી રહેશો. મારા જેવા એક નાના આળસુ બાળકને પ્રેરણા આપીને ઉચ્ચ હોદ્દા પર પહોંચાડ્યો એનો શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે કારણ કે તેઓએ હંમેશા બીજા માટે જીવવાનું શીખવ્યું છે.
પ્રમુખસ્વામીની આજ્ઞાનું પાલન કરી રહ્યાો છુંઃ રેડ્ડી
-એપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના સ્થાપક - ચેરમેન પદ્મવિભૂષણ પ્રતાપ સી. રેડ્ડીએ કહ્યું હતું કે આ પ્રમુખસ્વામી મહારાજ નગર અદ્ભુત છે કારણ કે પ્રમુખસ્વામી મહારાજ ખુદ અદ્ભૂત હતા અને તે માટે મહંતસ્વામી મહારાજ અને તમામ સંતો હરિભક્તોને ખૂબ ખૂબ અભિનંદન જેમણે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે મને આદેશો આપેલો કે, અહીં જે પણ દર્દી સારવાર માટે આવે તેને પોતાના પરિવારજન માનીને સારવાર કરો અને તે આજ્ઞાનું પાલન આજે પણ કરી રહ્યો છું. અહીંના સમર્પિત સ્વયંસેવકો ને જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter