સેવા અને સંવાદિતાનું ધામઃ શિવ મંદિર - લિસ્બન

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Monday 06th December 2021 10:54 EST
 
 

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી ધર્મ ફેલાવવા વર્તાવેલો ત્રાસ અને આજે કેથોલિક પોર્ટુગલની સરકારે લિસ્બનમાં શિવ મંદિર સ્થાપવા કરેલી મદદ એ સમયની બલિહારી છે. યુરોપમાં ઠેર ઠેર વૈષ્ણવ, સ્વામિનારાયણ, ગણેશ મંદિર મળે પણ ધાર્મિક-સામાજિક-સામુદાયિક પ્રવૃત્તિઓથી ધમધમતું શિવ મંદિર જોવું હોય તો લિસ્બન જવું પડે.

મોઝામ્બિકમાં ડાબેરી શાસન થતાં ત્યાં વેપાર-ધંધો કરતાં ગુજરાતીઓ ભાગીને પોર્ટુગલ વસ્યા. ભાષાની જેમ માનવીને એક તાંતણે બાંધવાનું કામ ધર્મ કરે છે. અહીંના ગુજરાતીઓ પાસે ભાષા હતી પણ ભેગા થઈને સ્વભાષામાં ભક્તિ અને અભિવ્યક્તિ કરવા મંદિર ન હતું. ૧૯૮૩થી તેઓ નવરાત્રિ, રામનવમી, જલારામ જયંતિ, શિવરાત્રી ઊજવવા અવારનવાર સ્થળ બદલતા. અંતે ૧૯૮૭માં શિવ મંદિર ટેમ્પલ એસોસિએશન સ્થાપ્યું. આરંભથી જ ટ્રસ્ટના પ્રમુખ બન્યા સેવાભાવી, નિખાલસ અને વેપારી કાંતિલાલ દાવડા. સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનો સાથેના સંપર્કોને કારણે સરકારે તેમને લિસ્બનમાં ૧૬૫૦૦ ચોરસ મીટર જમીન વિનામૂલ્યે આપી.
ગુજરાતી થોડાક, અને તેય મોઝામ્બિકમાં બધું છોડીને આવેલા. દાન મળવાની તક ઓછી. ત્યારે મોટું મંદિર કરવાને બદલે ૧૦૦૦ ચોરસ મીટરનો મોટો હોલ બાંધ્યો. લગ્ન, બાધા, જન્મદિન, સ્નેહમિલન માટે ભાડે આપીને કરકસરભેર વહીવટ કરીને, તેના એક ભાગમાં ગોઠવેલ ફોટા અને મૂર્તિયુક્ત શિવમંદિર કર્યું. પગારદાર પૂજારીનું ખર્ચ કર્યા વિના સેવાભાવે રોજ પૂજા, આરતી, સત્સંગ ચાલે છે. તહેવારો ઊજવાય છે.
આ મંદિરની વિશિષ્ટતા ઊડીને આંખે વળગે તેવી છે.
૧. શિવ મંદિર હિંદુ મંદિર છે. તેના નવ ટ્રસ્ટીઓમાં એક પારસી અસ્પી તાવરિયા છે. મંદિરના સ્થાપક આગેવાનોની ઉદારતા, સૂઝ અને માનવમાત્ર પ્રત્યે પ્રેમને શિવસ્વરૂપ કલ્પવાની વૃત્તિ આમાં જણાઈ આવે છે.
૨. લિસ્બનના બોલા વિસ્તારમાં મંદિર દ્વારા વિનામૂલ્યે ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો દર શનિવારે ચાલે છે.
૩. શિવ અને શક્તિનાં ભજનો ભલે ગવાતાં હોય પણ બંનેના મંદિર અલગ અલગ હોય છે. માલિકી અને વહીવટ અલગ અલગ હોય છે. આ શિવ મંદિરની વિશિષ્ટતા એ છે કે તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અંબાજીનું મંદિર ચલાવે છે.
લિસ્બનની સુંદર આબોહવા, મંદિર પાસેની વિશાળ જમીન અને યુરોપમાં વસતા હિંદુઓ તથા પ્રવાસી હિંદુ યાત્રીઓ માટે આધુનિક સગવડોથી સજ્જ વિશાળ શિવ મંદિરનું નિર્માણ કરવાની ટ્રસ્ટની અદમ્ય ઇચ્છા છે, પણ નાણાંભીડ નડી રહી છે. ગુજરાતીઓની ઓછી વસ્તીને કારણે ટ્રસ્ટી મંડળ પોર્ટુગલ બહારના ગુજરાતીઓના ઉદાર સથવારાની અપેક્ષા રાખે છે. આપને મંદિર કે તેના ભાવિ આયોજનો અંગે વધુ કોઇ વિગતની જરૂર હોય તો ૪૫ વર્ષથી સતત સેવાભાવે આ શિવ મંદિર સાથે સંકળાયેલા અને આરંભથી જ ટ્રસ્ટ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા કાંતિલાલ દાવડાનો ફોન (નંબર +351 917257611) અથવા તો ઇમેઇલ ([email protected]) દ્વારા સંપર્ક સાધી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter