લંડનઃ સોજિત્રા સમાજ દ્વારા છ ગામના સહયોગ સાથે હેરોના બ્લુ રુમ ખાતે રવિવાર 23 ઓગસ્ટે વાર્ષિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા, બંધુત્વ અને કોમ્યુનિટીની ભાવનાની અજોડ સાંજે તમામ છ ગામના કોમ્યુનિટી સભ્યોએ એકત્ર થઈને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. આ મેળાવડા થકી આદરણીય વડીલજનો, કમિટીના સભ્યો, કોમ્યુનિટીના અગ્રણીઓ અને મહાનુભાવો સહિત સમુદાયના સભ્યોને એકબીજાને મળવાની અને પેઢીઓ જૂના તેમના સંબંધોને મજબૂત બનાવવાની અનોખી તક સાંપડી હતી.
સોજિત્રા સમાજના સભ્યો, સોજિત્રા સમાજના સીઈઓ જીતુભાઈ પટેલ અને અન્ય માનવંતા મહેમાનો દ્વારા પરંપરાગત દીપપ્રાગટ્ય સાથે પ્રોગ્રામનો આરંભ કરાયો હતો. દીપપ્રાગટ્ય પછી સુંદર સંગીતમય પરફોર્મન્સની રજૂઆત સાથે હુંફ અને ઉજવણીનો માહોલ રચાયો હતો.
ઉપસ્થિત સભ્યોને સંબોધતા ભદ્રેશભાઈએ તમામને ભાવપૂર્વક આવકાર્યા હતા અને છ ગામ કોમ્યુનિટીમાં એકતા જાળવી રાખવાના મહત્ત્વ વિશે જોશભેર રજૂઆત કરી હતી. વર્ષો દરમિયાન કોમ્યુનિટીના સંબંધો-સંપર્કો કેવી રીતે નબળા પડ્યા છે તેનું ચિંતન રજૂ કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવા પેઢી આ બંધનોના પુનઃનિર્માણ અને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે એકતા જ હંમેશાં શક્તિનો સ્રોત હોવાનું કહેવા સાથે યુવા લોકોને તેમની કોમ્યુનિટી, વિરાસત અને સમુદાયના સાથીઓ સાથે સતત સંપર્કમાં રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે છ ગામ સમુદાયના ગામો-ધર્મજ, વસો, ભાદરણ, સોજિત્રા, નડિયાદ અને કરમસદના પ્રમુખો, પ્રતિનિધિઓ, કોમ્યુનિટી અગ્રણીઓ અને આદરણીય વડીલોનું પણ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. ભદ્રેશભાઈએ સામુદાયિક પ્રવૃત્તિઓ, ઈનિશિયેટિવ્ઝ અને સેવાઓ ચાલુ રાખવા માટે નાણાકીય સપોર્ટ આવશ્યક હોવાનું જણાવી નાણાકીય યોગદાન અને ડોનેશન્સ થકી સંસ્થાને સપોર્ટ કરવા કોમ્યુનિટીના સભ્યોને અનુરોધ પણ કર્યો હતો.
છ ગામના ચેરમેન જયરાજભાઈ તેમજ છ ગામ કોમ્યુનિટીના અન્ય અગ્રણી સભ્યોની ઉપસ્થિતિથી ઈવેન્ટ શોભી ઉઠ્યો હતો, જેમના યોગદાન અને સેવાને ખૂબ બિરદાવાઈ હતી. આ પ્રસંગે સંબોધન કરતા જયરાજભાઈએ નિયમિત ધોરણે કોમ્યુનિટીના મેળાવડાના આયોજનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને કોમ્યુનિટીના આદરણીય વડીલોને ઘરમાંથી બહાર આવી એકબીજાને મળવા તેમજ કોમ્યુનિટીના મેળાવડાઓ વધુ ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા પ્રસંગો માત્ર સામાજિક આદાનપ્રદાન માટે જ નહિ, પરંતુ સંબંધો જાળવવા, અનુભવોને વહેંચવા તેમજ ગાઢપણે સંકળાયેલી સામુદાયિક ભાવના ભાવિ પેઢીઓ માટે પણ વિસ્તરતી રહે તેની ચોકસાઈ માટે પણ મૂલ્યવાન છે.
મેળાવડામાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોમ્યુનિટીને બિરદાવવા સાથે સોજિત્રા સમાજ અને છ ગામના કમિટી મે્મ્બર્સને આવા સફળ કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમની ઉપસ્થિતિએ આ પ્રસંગને વધુ દીપાવ્યો હતો અને લોકોને એક સાથે લાવવામાં તથા સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોના જતનમાં કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા કરાયેલા યોગદાનની વ્યાપક કદરનું પ્રતિબિંબ પાડ્યું હતું.
છ ગામ વાર્ષિક મેળાવડાએ એકતા, કોમ્યુનિટી સહભાગીતા અને પેઢીઓના આંતરિક સંપર્કોના મહત્ત્વના શક્તિશાળી સ્મરણ તરીકે કામગીરી બજાવી છે. વડીલોના અનુભવો પાસેથી શીખવામાં અને આદર કરવાનું જાળવવા સાથે યુવા પેઢી સામુદાયિક બાબતોમાં વધુ સક્રિય ભૂમિકા ભજવે તેની જરૂરિયાત પર પ્રકાશ પાથર્યો હતો. ભારે સફળ મેળાવડાએ દર્શાવ્યું હતું કે જ્યારે તમામ છ ગામ કોમ્યુનિટીઓ ધ્યેયની સહભાગી લાગણી સાથે એકસંપ બને ત્યારે તેઓ તેમના વારસાનું જતન કરી શકે છે, સામુદાયિક સંબંધોને મજબૂત બનાવી શકે છે અને ભાવિ પેઢીઓ માટે મજબૂત પાયાનું સર્જન કરી શકે છે.


