લેસ્ટરઃ ગુજરાતના પ્રખ્યાત સાળંગપુર ધામના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના વડા અને આધ્યાત્મિક ગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીનો લેસ્ટરના શ્રી હનુમાનજી મંદિર દ્વારા ભારે આદરસત્કાર કરવામાં આવ્યો હતો. સ્વામી હરિપ્રકાશદાસજી ખાસ ગુજરાતથી ભગવાન હનુમાનજીની ચરિત્રકથા સંભળાાવવા અત્રે પધાર્યા છે. સ્વામીજીએ મંદિરમાં હરિભક્તોને હનુમાનજીની ચરિત્રકથા સંભળાવી સહુને આશીર્વાદ પાઠવ્યા હતા.
શ્રી હનુમાનજી મંદિરના સેક્રેટરી રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘આ પ્રકારની મુલાકાત આપણી કોમ્યુનિટી માટે વિશિષ્ટ બની રહે છે કારણકે તેનાથી ગુજરાતના મુખ્ય મંદિર સાથે સંપર્ક જાળવી રાખવામાં તેમજ ત્યાંની પરંપરાઓને લેસ્ટરમાં લાવવામાં મદદ મળે છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા પ્રસ્તુત કરાયેલી કથાએ તમામ વયના લોકોને મંદિરમાં આવવા, સહુને મળવા, સાંભળવા, ચિંતન કરવા તેમજ તેમની આસ્થાને મજબૂત કરવાની અનોખી તક પુરી પાડી છે. હવે અમે લેસ્ટર અને તેનાથી પર દૂરના સેંકડો ભાવિક ભક્તોને આગામી મહિને નવ દિવસની નવરાત્રિના ઉત્સવ અને નવેમ્બરમાં દીવાળીના તહેવારોની ઉજવણી નિમિત્તે આવકારવા સજ્જ છીએ.’
લેસ્ટરના મેલ્ટોન રોડ પર આવેલાં શ્રી હનુમાનજી મંદિરમાં સેંકડો ભક્તજનો હનુમાનજીની ચરિત્રકથા સાંભળવા અને આધ્યાત્મિક ગુરુના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા. ભારતના દક્ષિણ ગુજરાતમાં શક્તિ અને સમર્પણના પ્રતીક અને ભગવાન રામના પ્રખર ભક્ત હિન્દુ ભગવાન હનુમાનજીને સમર્પિત સાળંગપુર હનુમાનજી મંદિરનું નિર્માણ 1849માં કરાયું હતું.
.


