‘જો BAPSના સંતો ન હોત તો અમે આજે બચ્યા ન હોત’: પ્રવાસીઓએ બે દેશોની બોર્ડર ઓળંગી, બસમાં 1500 કિમીનો જોખમી પ્રવાસ કર્યો

યુદ્ધગ્રસ્ત માહોલમાંથી ઉગરેલા ગુજરાતીઓ કહે છે...

Tuesday 17th March 2026 05:53 EDT
 
 

અમદાવાદઃ અમેરિકાના રોબિન્સવિલેથી નીકળેલા ગુજરાતીઓનું એક ગ્રૂપ મિડલ ઇસ્ટમાં થયેલા યુદ્ધની વચ્ચે કુવૈતમાં ફસાઈ ગયું હતું. કોઈપણ જાતના આધાર વિના અજાણ્યા દેશમાં ફસાયેલા આ ગુજરાતીઓનું ગ્રૂપ શું કરવું, કેવી રીતે બચવું એને કઈ રીતે સુરક્ષિત ભારત પહોંચવું તેની ગડમથલમાં ફસાયેલું હતું. વૃદ્ધો અને બાળકો સાથેનું આ ગ્રૂપ ભારત પરત ફરી શકે તેવી કોઈ આશા નહોતી. જોકે અબુધાબીના BAPS મંદિર અને વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીની મદદથી આ ગ્રૂપ યુદ્ધ વચ્ચે બે દેશોની બોર્ડર ક્રોસ કરીને હેમખેમ ભારત-અમદાવાદ પહોંચી ચૂક્યું છે.
ક્યાંયથી મદદ મળે તેવું નહોતું
દિલીપ પટેલ, કિરણ પટેલ, પૂર્વી પટેલ, સોનલ ભગત, દર્શન ભગત સહિતના લોકો અમદાવાદ આવી રહ્યાં હતાં, ત્યારે જ ઇરાને કુવૈત પર હુમલો કરી દેતાં એરસ્પેસ બંધ કરી દેતાં તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવાઈ હતી. આ સ્થિતિમાં આખું ગ્રૂપ કુવૈતમાં અટવાઈ ગયું હતું. અજાણ્યા દેશ કુવૈતમાં ક્યાંયથી કોઈ મદદ મળે તેવું ન હોવાથી એક હરિભક્તે રોબિન્સવિલેમાં આવેલા BAPS મંદિરનો સંપર્ક કર્યો અને ત્યાંના સંતોને વિટક પરિસ્થિતિની જાણ કરી હતી. આ પછી રોબિન્સવિલેના સંતોએ ફોન દ્વારા અબુધાબી BAPS મંદિરના કર્તાહર્તા સંત બ્રહ્મવિહારી સ્વામીનો સંપર્ક કર્યો હતો અને તેમને સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર કરી હરિભક્તોની આપદા વિશે માહિતગાર કર્યા હતા.
કુવૈતના હરિભક્તોએ બીડું ઝડપી લીધું
ગુજરાતી પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયાનું જાણતાં જ બ્રહ્મવિહારી સ્વામી તરત કામે લાગ્યા હતા અને કુવૈતમાં રહેતા આઇટી એન્જિનિયર સુરેશ ચોકસીનો સંપર્ક કર્યો હતો અને મુશ્કેલીમાં મૂકાયેલા લોકોને શક્ય તમામ મદદ માટે પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
સુરેશ ચોકસીએ કહ્યું કે, મને જાણ થતાં જ મેં હોટેલ પર જઈ મેં હરિભક્તો માટે ચા, દૂધ, નાસ્તાની વ્યવસ્થા કરી હતી. ગુજરાતી પ્રવાસીઓએ થોડીક રાહત તો અનુભવી, પરંતુ મૂળ સવાલ તો તેમને હેમખેમ પરત કેમ મોકલવા અને તેના માટે શું કરવું તે પ્રશ્ન હતો. તે વખતે મને એક વિચાર આવ્યો કે જો એ લોકો કુવૈતથી સાઉદી અરેબિયા જઇ શકે તો સારું. આ વિચારને મહંત સ્વામીનું સમર્થન મળતાં જ મેં બધાને સાઉદી અરેબિયાની બોર્ડર પર મોકલવા માટે બસની વ્યવસ્થા કરી આપી હતી.
બસમાં નીકળેલા હરિભક્તો પર જોખમ તો હતું જ, સાથે સાથે થાક પણ બહુ લાગ્યો હતો, યુદ્ધના માહોલના લીધે ડર પણ લાગતો હતો, ચિંતા હતી પરંતુ મનમાં અડગ આસ્થા હતી. આ આસ્થાએ જ તેમને હેમખેમ પરત ફરવામાં મોટી ભૂમિકા ભજવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter