માણસા તાલુકાના પુંધરા ગામે પહેલી વખત સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સદગત સ્વજનોને અંજલિ અર્પી હતી. રમણભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પરિવાર અને જોઈતારામ સેંધીદાસ પટેલ (ચેણિયા પરિવાર)ના ઉપક્રમે યોજાયેલા બે દિવસના કાર્યક્રમમાં ભગવદ્ ગીતાનું પૂજન-અર્ચન, સમૂહ આરતી, મહિલા વૃંદ દ્વારા ભજન-કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ગામની સીમમાંથી ભગવત ગીતા પોથીયાત્રા શરૂ થઇ હતી, જે વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. પૂજન કાર્યક્રમના બીજા દિવસે મુખ્ય યજમાન દાતા રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે, કર્મ સાથે જ ધર્મ જોડાયેલો છે કેમ કે કર્મ નાણાંના બળથી થતું નથી પણ કેવળ ભગવાનની કૃપાથી જ થાય છે. પૂજન કાર્યક્રમમાં પધારેલા દરેકને તેમજ સ્કુલના બાળકોને સ્મૃતિરૂપે ભગવદ્ ગીતા તેમજ શિક્ષાપત્રી મળી કુલ 1500 નકલ ભેટ અપાઇ હતી. આ પ્રસંગે 2000 લોકોએ ભાવપૂર્વક મહાપ્રસાદ લીધો હતો.


