સાંસદ નવેન્દુ મિશ્રા અને મેયર બેવ ક્રેગે સ્ટોકપોર્ટના શિવમંદિરમાં દિવાળી ઉજવી

Wednesday 18th November 2026 06:34 EST
 
 

લંડનઃ સ્ટોકપોર્ટના સાંસદ નવેન્દુ મિશ્રા અને ગ્રેટર માન્ચેસ્ટરના મેયર બેવ ક્રેગે સ્થાનિક હિન્દુ કોમ્યુનિટીના સભ્યો સાથે મળી સ્ટોકપોર્ટના હિટન્સમાં શિવ મંદિરે દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. સ્ટોકપોર્ટ લોકલ ઓથોરિટી એરિયાના સર્વપ્રથમ હિન્દુ મંદિરમાં સાંસદ અને મેયરે ભાવિકો સાથે દિવાળીની ઉજવણી તેમજ સ્થાનિક કોમ્યુનિટીને નિકટ લાવવામાં મંદિરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જાણવા શિવમંદિરની મુલાકાત લીધી હતી.

નવેન્દુ મિશ્રા MPએ જણાવ્યું હતું કે, ‘શિવ મંદિર સ્ટોકપોર્ટ લોકલ ઓથોરિટી એરિયાના સર્વપ્રથમ હિન્દુ મંદિર તરીકે આપણી કોમ્યુનિટીમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભાવિકો સાથે મળીને દિવાળીની ઉજવણીમાં સામેલ થવા તેમજ આપણા ગ્રેટર માન્ચેસ્ટરના લેબર મેયર બેવ ક્રેગને મંદિરમાં આવકારવામાં મને ઘણો આનંદ થાય છે. આપણો હિન્દુ સમુદાય સ્ટોકપોર્ટને મહત્ત્વનું યોગદાન આપે છે અને રહેવાસીઓ સાથે આ મહત્ત્વપૂર્ણ તહેવારની ઉજવણીમાં સામેલ થવાનું ઘણું અદ્ભૂત છે. દિવાળીનો ઉત્સવ આપણા સહુ માટે અગત્ય ધરાવતા મૂલ્યો અને આશા, પ્રકાશ અને એકતાનો સંદેશો લાવે છે.’

સાંસદ નવેન્દુ મિશ્રા અને ગ્રેટર માન્ચેસ્ટરના મેયર બેવ ક્રેગની આ મુલાકાતે સ્ટોકપોર્ટ હિન્દુ કોમ્યુનિટીના યોગદાન તેમજ શહેરના વૈવિધ્ય અને મજબૂત સામુદાયિક ભાવનાની ઉજવણીના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. વિશ્વભરમાં કરોડો લોકો દ્વારા ઉજવાતો પ્રકાશના ઉત્સવ તરીકે જાણીતો તહેવાર દિવાળી અંધકાર પર પ્રકાશ અને અશુભ પર શુભના વિજયનું પ્રતીક છે તથા પ્રાર્થના, ચિંતન, પારિવારિક સ્નેહમિલન અને ઉજવણીનો સમય છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter