ગાંધીનગરઃ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સાહિત્યકાર ભાગ્યેશ જ્હાને વર્ષ 2025નું ભારતીય ભાષા સન્માન અપાશે. ગાંધીજીએ સ્થાપેલી કાશી વિદ્યાપીઠમાં હિન્દુસ્તાન ટાઇમ્સના સંયુક્ત ઉપક્રમે યોજાનારા સમારોહમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના હસ્તે આ સન્માન એનાયત થશે. ગુજરાતી ભાષામાં સાતત્યપૂર્ણ યોગદાન માટે આ સન્માન અપાઈ રહ્યું છે. ગુજરાત સરકારના નિવૃત્ત સનદી અધિકારી ભાગ્યેશ જ્હા સાહિત્યકાર અને સંસ્કૃતના વિદ્વાન તરીકે પણ આગવી નામના ધરાવે છે. ‘પહાડ ઓગળતા રહ્યા’, ‘મીરાંની જેમ મને મળજો’, ‘ટેબ્લેટને અજવાળે’, કાવ્યસંગ્રહ ‘સમય સ્ત્રોત’, ‘સંકોચાયેલું મૌન’, ‘આમુખ’, ‘અનુભાવન’ જેવા નિબંધસંગ્રહો અને લેખ સંચયો તેમની પાસેથી વાચકોને મળ્યા છે.