વર્તમાન સમયમાં દીર્ઘ અને સ્વસ્થ જીવન સ્વપ્ન સમાન છે ત્યારે શ્રીમતી સુશીલાબહેન અંબાલાલ પટેલનાં 100મા જન્મદિનની ઊજવણી તેમના બહોળા પરિવાર સાથે તાજેતરમાં જ કરવામાં આવી છે. સુશીલાબહેન તેમની ચાર પેઢીના નાના-મોટા સભ્યો સાથે આનંદપૂર્ણ જીવન વીતાવી રહ્યાં છે.
સુશીલાબહેનનો જન્મ 15 જુલાઈ 1924ના રોજ યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. તેમના પિતાનું નામ શિવાભાઈ અને માતાનું નામ સુરજબા હતું. વતન સોજિત્રાના શિવાભાઈ ગુજરાતથી જહાજમાં બેસી શરૂઆતમાં મોમ્બાસા પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફત યુગાન્ડાના એન્ટેબી શહેરમાં પહોંચ્યા હતા. દરજીકામના વ્યવસાયી શિવાભાઈએ યુગાન્ડામાં માલિકીની દુકાન પણ કરી હતી.
સુશીલાબહેન માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમની માતા સુરજબાનું બ્યુબોનિક પ્લેગના રોગથી અવસાન થયું હતું. પિતા શિવાભાઈ સાથે સુશીલાબહેનનો નાતો ગાઢ હતો અને તેઓ તેમની સાથે લાગણીથી મજબૂતપણે બંધાયેલાં હતા. પિતાએ થોડા વર્ષ સુધી તેમનો ઉછેર કર્યો અને તે પછી પુનઃ લગ્ન કરવા ભારત આવ્યા અને તેમણે કમળાબહેન સાથે લગ્ન કર્યા હતા. સુશીલાબહેન અભ્યાસમાં ઘણાં તેજસ્વી હતાં અને વર્ગમાં હંમેશાં પ્રથમ નંબરે જ આવતાં હતાં. જોકે, તેમની માતા કમળાબહેને આપણી સંસ્કૃતિ વિશે જાણવા અને શીખવા તેમને ભારત મોકલવાનો નિર્ણય લેવાથી તેમનાં અભ્યાસમાં અવરોધ ઉભો થયો હતો. સુશીલાબહેન થોડાં વર્ષ જ ભારતમાં રહ્યાં હતાં. સુશીલાબહેનનાં સ્વાસ્થ્યના કારણોસર માતા કમળાબહેને તેમને યુગાન્ડા પરત બોલાવી લેવાનો નિર્ણય લીધો હતો. સુશીલાબહેનના અભ્યાસમાં વિક્ષેપ પડવાથી પીછેહઠ થઈ હોવાં છતાં, તેઓ ગુજરાતી અને ઈંગ્લિશ ઘણી સારી રીતે વાંચી શકતાં હતાં.
સુશીલાબહેનને એક ભાઈ અને એક બહેન હતાં. તેઓ તેમના ભાઈ પ્રહલાદભાઈ અને બહેન વિરાજબહેન સાથે નિકટનો નાતો ધરાવતાં હતા. દુઃખની વાત એ છે કે તેમના ભાઈ અને બહેન હવે આ દુનિયામાં રહ્યાં નથી.
સુશીલાબહેન 19 વર્ષના હતા ત્યારે યુગાન્ડામાં જ ભાદરણના શ્રી અંબાલાલ છોટાભાઈ પટેલ સાથે તેમનાં લગ્ન 30 મે 1943ના રોજ થયાં હતાં. દંપતીએ કમ્પાલાથી કેન્યાના નાઈરોબીમાં સ્થળાંતર કર્યું હતું જ્યાં અંબાલાલભાઈએ થોડાં વર્ષ સુધી બ્રિટિશ સરકાર માટે કામ કર્યું હતું. આ પછી, તેમણે એક બિઝનેસ હસ્તગત કર્યો હતો અને કોમ્યુનિટીમાં ભારે આદર-સન્માન પ્રાપ્ત કર્યા હતા. અંબાલાલભાઈમાં ઘણી સારી આતિથ્યભાવના હતી અને સુશીલાબહેન તેમના દરેક પરિચિતોને ખુલ્લા દિલે અને હસતા ચહેરા સાથે ભાવભીનો આવકાર આપતાં હતાં.
આદરણીય સુશીલાબહેન અને અંબાલાલભાઈને લગ્નજીવનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી એમ સાત સંતાનરત્નો પ્રાપ્ત થયા હતા જેમનો જન્મ ઈસ્ટ આફ્રિકામાં જ થયો હતો. તેમના સંતાનોમાં પ્રવીણભાઈ, રાજુભાઈ, અરુણભાઈ, વ્યોમેશભાઈ, હેમાદ્રી (બેના), મીનાક્ષીબહેન અને રાગિણીબહેનનો સમાવેશ થાય છે. દુઃખની વાત એ છે કે અરુણભાઈ અને હેમાદ્રીબહેને આ દુનિયામાંથી ચિરવિદાય લઈ લીધી છે.
શ્રીમતી સુશીલાબહેન અને શ્રી અંબાલાલભાઈ નાઈરોબીથી સ્થળાંતર કરી એપ્રિલ 1974માં સપરિવાર યુકે આવી પહોંચ્યા હતા. અહીં, અંબાલાલભાઈએ નોર્થ લંડનના ટોટેનહામમાં સ્વીટ શોપ- ન્યૂઝ એજન્સી ખરીદી હતી અને વર્ષો સુધી તેને ચલાવી હતી. શ્રી અંબાલાલભાઈએ 2 ફેબ્રુઆરી 1996ના રોજ દુનિયામાંથી ચિરવિદાય લીધી હતી.આ પછી, સુશીલાબહેન હર્ટફોર્ડશાયરના ચેઝન્ટમાં તેમના દિવંગત પુત્ર અરુણ, જ્યોતિબહેન, કમલ, જિજ્ઞા, જેના અને જોશ સાથે રહેવા લાગ્યાં છે.
સુશીલાબહેનને બહોળા પરિવારમાં 10 ગ્રાન્ડચિલ્ડ્રન છે, સૌથી મોટા પુત્ર પ્રવીણભાઈ અને નીલાબહેનને બે બાળકો અજલ અને શીતલ છે. શીતલ ઘણી તેજસ્વી છોકરી હતી જેમનું 32 વર્ષની નાની વયે દુઃખદ અવસાન થયું હતું.
રાજુભાઈ અને દક્ષાબહેનને એક પુત્ર બીજલ છે.
અરુણભાઈ અને જ્યોતિબહેનને બે પુત્ર કમલ અને ઐલેશ છે.
વ્યોમેશભાઈ અને હેમાબહેનને એક પુત્ર ડેરેન છે.
મીનાક્ષીબહેન અને કીર્તિભાઈને ત્રણ બાળકો જસ્ટિન, ગેવિન અને શીના છે. ગેવિનના લગ્ન ફેવેન સાથે થયેલા છે.
રાગિણીબહેન અને કનકકુમારને એકમાત્ર દીકરી અનુષ્કા છે જેનાં લગ્ન લૌરી સાથે થયેલાં છે.
સુશીલાબહેનને 9 ગ્રેટ ગ્રાન્ડચિલ્ડ્રન છે.
કમલ અને જિજ્ઞાને બે બાળકો જેના અને જોશ છે.
અજલ અને રિહાનોનને ત્રણ બાળકો, ફોક્સ, બેઈલ અને રિવ છે.
ઐલેશ અને ભારવીને બે બાળકો ન્યાન અને આલિશા છે.
ડેરેન અને મોનિકાને બે બાળકો, રેઈસ અને આરિયાહ છે.
સુશીલાબહેનને તેમનો બહોળો પરિવાર ઘણો જ પ્રેમ કરે છે. તેઓ પોતાના બાળકો, ગ્રાન્ડચિલ્ડ્રન અને ગ્રેટ ગ્રાન્ડચિલ્ડ્રન માટે વિશિષ્ટ પ્રેરણામૂર્તિ બની રહ્યાં છે. તેમનો સાલસ અને નિર્મળ સ્વભાવ અને શક્તિ અમને સહુને દરરોજ એક પડકાર જેવી લાગે છે જ્યારે તેઓ તો મજબૂત યુવાન સ્ત્રીના તરવરાટ સાથે જીવન જીવી રહ્યાં છે. તેઓ કદી કોઈની ટીકા કરતાં નથી અને દરેક પ્રત્યે સહાનુભૂતિ દાખવવામાં જરા પણ પાછાં પડતાં નથી. સુશીલાબહેન સ્વભાવે ઘણાં ઉદાર છે અને કદી પણ કોઈની પાસે બદલામાં કશું માંગતાં નથી. જીવન અને લોકો પ્રત્યે તેમનો અભિગમ રચનાત્મક રહ્યો છે અને કદી કોઈ પણ બાબત માટે ફરિયાદ પણ કરતાં નથી. તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમને એક માત્ર બીમારી એ છે કે તેઓ બરાબર સાંભળી શકતાં નથી.


