લંડનઃ મૂળ ભારતીય અને કેન્યાના મિસિસ ભાવિનીબહેન મકવાણાને ૨૮ જૂને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સામન્થા કેમરનના હસ્તે ‘પ્રાઈમ મિનિસ્ટર્સ પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ’ એનાયત કરાયો હતો. ચેરિટીઝ માટે સ્વૈચ્છિક સેવાઓના પ્રશંસનીય પ્રદાન બદલ તેમને એવોર્ડ અપાયો છે. ‘પ્રજ્ઞાચક્ષુ’ તરીકે રજિસ્ટર્ડ ભાવિનીબહેન મકવાણા ૧૯ વર્ષથી રેટિનાઈટિસ પિગમેન્ટોસા (RP) રોગથી ગ્રસ્ત છે.
ભાવિનીબહેને RP ફાઈટીંગ બ્લાઈન્ડનેસ સંસ્થા માટે વોલિન્ટીઅરિંગ કરવા સાથે આંખની રેટિનાઈટિસ પિગમેન્ટોસા સ્થિતિ અંગે જાગૃતિ કેળવવા અને RPગ્રસ્ત લોકોના સપોર્ટમાં સારવાર અને ઉપચાર માટે જરૂરી ભંડોળ એકત્ર કરવાની કામગીરી ઉપાડી છે. હાલ આ રોગની કોઈ સારવાર નથી અને રોગગ્રસ્ત લોકો ધીરે ધીરે દૃષ્ટિ ગુમાવે છે. તેઓ હાલ એશિયન કોમ્યુનિટીમાં આ વિશે જાગૃતિ ઉભી કરી રહ્યાં છે કારણ કે પરિવાર, મિત્રો અને સમાજથી અળગાં થઈ જવાના ડરથી લોકો પોતાનો રોગ છુપાવે છે. ભાવિનીબહેને ‘સોશિયલ આઈ’ નામે સપોર્ટ ગ્રૂપની સ્થાપના કરી છે, જ્યાં RPગ્રસ્ત લોકોને એકબીજા સાથે મિલન-મુલાકાત અને મોજ માણવાની તક મળે છે.
એવોર્ડ સમારંભમાં વડા પ્રધાન ડેવિડ કેમરન અને તેમના પત્ની સામન્થા કેમરને ભાવિનીબહેન મકવાણાની સેવા અને જાગૃતિ કેળવવાની કામગીરીને બિરદાવી હતી. ભાવિનીબહેને જણાવ્યું હતું કે, ‘આ સન્માન મારાં માટે ગૌરવ છે, જેના માટે હું આભારી છું. RP ફાઈટીંગ બ્લાઈન્ડનેસ સંસ્થા માટે ભંડોળ એકત્ર કરવાની મારી ઉત્કટ ભાવનાનું આ બહુમાન છે. મને મારી ખરાબ થતી દૃષ્ટિને સ્વીકારતા ઘણો સમય લાગ્યો હતો, પરંતુ એ પણ સમજાયું હતું કે રેટિનાઈટિસ પિગમેન્ટોસા સાથે પણ તમારી મહેચ્છાઓ સાકાર કરી શકો છો.’


