સેવાપરાયણ-શ્રેષ્ઠી અને ધામેચા કુટુંબના મોભી ખોડીદાસભાઇની ૬૫મી મેરેજ એનિવર્સરીએ શુભેચ્છા

કોકિલા પટેલ Wednesday 21st March 2018 07:09 EDT
 
 

સમાજ, ધર્મ, શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર ધામેચા કુટુંબથી ભાગ્યેજ કોઇ અજાણ હશે. લંડન અને લંડન બહાર દશેક જેટલી "ધામેચા કેશ એન્ડ કેરી"ની શૃંખલા ધરાવનાર ધામેચા કુટુંબના મોભી મુરબ્બીશ્રી ખોડીદાસભાઇ તથા આદરણીય શ્રીમતી લલિતાબહેન ધામેચાના લગ્નજીવનના ૬૫ વર્ષ પૂરાં થયાં છે. જામનગરના મૂળવતની ખોડીદાસભાઇએ ૧૩ માર્ચ, ફાગણ વદ ૧૧ના રોજ મ્વાંઝા ખાતે લલિતાબહેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. ૧૯૭૧માં ટાન્ઝાનિયાથી યુ.કે. આવી "ધામેચા" નામ હેઠળ વ્યાપારી ક્ષિતિજો વધારનાર ધામેચાબંધુઓની ત્રિપૂટી (ખોડીદાસભાઇ, શાંતિભાઇ અને જયંતિભાઇ)ને સાહસે "શ્રી" વર્યાં છે. ધર્મ, સંસ્કાર અને પરંપરાના મૂલ્યોને સાથે રાખીને ચાલનાર આ ધામેચા કુટુંબની ત્રણ ત્રણ પેઢીમાં એકતા સાથે સંપ અને સહકારના દર્શન થાય છે. આંગણે આવેલાના આતિથ્ય સત્કાર માટે ધામેચા પરિવારની યુવાપેઢીમાં સંસ્કારોની સુવાસ પ્રસરતી દેખાય છે એનો અનુભવ અમે ગયા અઠવાડિયે કર્યો.
“ગુજરાત સમાચાર" તથા "Asian Voice”ના પ્રકાશક-તંત્રીશ્રી સી.બી. પટેલ સાથે અમે સ્ટેનમોર સ્થિત ધામેચા પરિવારના નિવાસ્થાને મુરબ્બી વડીલશ્રી ખોડીદાસભાઇને મળવા ગયા હતા. કુબેર ભંડારીની જ્યાં અપરંપાર કૃપાદ્રષ્ટિ વરસી રહી છે એવા આ પરિવારમાં કયાંય ખોટો દંભ કે આડંબર દેખાતો નથી. આ પરિવાર સાથે એક ગજબની આત્મીયતા બંધાતી હોય એવું અનુભવાય. મુ.વડીલ ખોડીદાસભાઇ, મુ.શ્રી શાંતિભાઇ, શ્રીમતી લલિતાબહેન તથા કુમુદબહેન સાથે એમનો ત્રણ પેઢીનો પરિવાર પણ દિવાનખંડમાં બેસીને અમારી સાથે ચર્ચામાં જોડાયો. મોટાભાગના કુટુંબમાં વડીલો વાતો કરતા હોય ત્યારે યુવાપેઢી એમની સાથે બેસવાનું ટાળતી હોય એવું ઘણાએ નોંધ્યું હશે.
અમે સૌ સાહજિક વાતો કરતા હતા ત્યાં ખોડીદાસભાઇના દીકરા શ્રી પ્રદીપભાઇએ જણાવ્યું કે, “આપ આવ્યા છો ત્યારે યોગાનુયોગ બા-બાપુજીની ૬૫મી એનિવર્સરી છે". ધર્મ, સમાજ અને જનસેવા કાજે સખાવત કરનાર "ભામાશા" મુ.શ્રી ખોડીદાસભાઇની ઉદારતા વિષે અનેકના મોંઢે ખૂબ સાંભળ્યું છે એ કયારેક વિસ્તૃતપણે અમે રજૂ કરીશું.
આ ધામેચા પરિવારે માત્ર લોહાણા સમાજને જ નહિ પણ સમગ્ર માનવ સમાજને તન-મન અને ધનથી ખૂબ સેવા કરી છે. મુ.શ્રી ખોડીદાસભાઇ તથા આદરણીય લલીતાબહેનને "ગુજરાત સમાચાર-Asian Voice પરિવાર તથા સૌ વાંચકો વતી હાર્દિક શુભેચ્છા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter