સોનિયા ચંદરીઆ ટિલ્લુ કલાશ્રમ કથક સ્પર્ધાના યુરોપિયન તબક્કામાં વિજેતા

Saturday 16th December 2017 05:14 EST
 
 

લંડનઃ વેમ્બલી ખાતે ૧૮ નવેમ્બરે આયોજિત કલાશ્રમ કથક સ્પર્ધા (૨૧-૩૦ વયજૂથ)ના યુરોપિયન તબક્કામાં સોનિયા ચંદરીઆ ટિલ્લુ પ્રથમ વિજેતા બની હતી. હવે મુંબઈમાં ૨૧ ડિસેમ્બરે ગ્રાન્ડ ફિનાલેમાં સોનિયા ભારતીય ડાયસ્પોરાનું પ્રતિનિધિત્વ કરવા સાથે ભારતીય શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેગલુરુ, લખનૌ, અમદાવાદ અને ગૌહાતીના વિજેતાઓનો સામનો કરશે.
વિશ્વમાં કથક નૃત્યના મહાગુરુ પદ્મવિભૂષણ પંડિત બિરજુ મહારાજની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કથક ‘કલાશ્રમ’ દ્વારા યુવાન અને ઉભરતા કથક નૃત્યકારોને પ્રતિભા દર્શાવવા મળે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. લંડન ફાઈનલમાં પદ્મવિભૂષણ પંડિત બિરજુ મહારાજ ઉપરાંત, સરસ્વતી સેન, મીરા કૌશિક અને પ્રતાપ પવાર સહિત જ્ઞાની અને અનુભવી નૃત્ય વિશેષજ્ઞોની પેનલે નિર્ણાયકગણનું સ્થાન સંભાળ્યું હતું. પંડિતજીની મુખ્ય શિષ્યા સરસ્વતી સેને ભારતીય ડાયસ્પોરામાં કથક નૃત્યના ઉચ્ચ સ્ટાન્ડર્ડ તેમજ જજ મીરા કૌશિકે અકાદમીના નવોદિત સિતારા સોનિયાના વિજય વિશે આનંદ વ્યક્ત કર્યો હતો.
કેન્યાના મોમ્બાસામાં જન્મેલી અને ઉછરેલી સોનિયાએ બે વર્ષની નાની વયથી જ નૃત્યયાત્રાનો આરંભ કર્યો હતો. તે ગત સાત વર્ષ ગુરુ સુજાતા બેનરજીની શિષ્યા રહી હતી. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બોલરુમ ડાન્સિંગનો અભ્યાસ કરવા સાથે હ્યુમન સાયન્સીસ (બીએ ઓનર્સ)માં અંડરગ્રેજ્યુએટ ડીગ્રી મેળવી હતી.
(તસવીર સૌજન્યઃ સિમોન રિચાર્ડસન)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter