સોનેરી સ્મૃતિ ગ્રંથ લોકાર્પણઃ મશહૂર અને ગરિમાપૂર્ણ ‘પરિવાર’નું સ્નેહમિલન

Tuesday 05th August 2025 06:12 EDT
 
 

મશહૂર અને ગરિમાપૂર્ણ ‘પરિવાર’નું સ્નેહમિલન
ભારતથી મિહિરના નમસ્તે અને ઓમ નમઃ શિવાય! હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે 18 જુલાઈએ 53મી વર્ષગાંઠના લંચ અને ‘સોનેરી સ્મૃતિગ્રંથ- એ ટાઈમલેસ ટ્રેઝર’ સોવિનિયરના લોકાર્પણ માટે આમંત્રણ આપવા બદલ હું આપનો અને ABPL ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું.
સીબી અંકલના શબ્દોમાં કહું તો આ ઈવેન્ટ ખરેખર વિશિષ્ટ હતો અને સાચા અર્થમાં ઓછામાં ઓછાં 6 પીઅર્સની ઉપસ્થિતિ સાથે વાસ્તવમાં મશહૂર અને ગરિમાપૂર્ણ ‘પરિવાર’નું સ્નેહમિલન હતું! આટલા બધા પરિચિત ચહેરાઓને મળવાનું અને ચાર દાયકાથી વધુના સમયગાળામાં ‘સોનેરી’ દોરથી બંધાયેલી મિત્રતાની જ્યોતને પુનઃ પ્રગટાવવાનું અદ્ભૂત લાગ્યું. આપણાપણાની એ સંવેદના કોકિલાબહેન અને હાઈ કમિશનર નિમિષાબહેન માધવાણીનાં લાગણીશીલ સંબોધનોમાં છલકાઈ આવતી હતી. આ ઈવેન્ટ મારા માટે તો હૃદયસ્પર્શી રહ્યો કારણકે મારો જન્મ પણ 1972માં થયો હતો, જે વર્ષમાં સીબી અંકલે તેમની યાત્રાનો આરંભ આજે પૂર્ણપણે વિસ્તરેલા ‘ગુજરાત સમાચાર’, ‘એશિયન વોઈસ’ અને ABPL ગ્રૂપ સાથે કર્યો હતો. સીબી અંકલ સાથે મળવાનું હંમેશાં અદ્ભૂત બની રહે છે. તીક્ષ્ણ તલવાર જેવી તેમની યાદદાસ્ત તથા ટ્રેડમાર્ક સમાન તેમની ઉષ્મા અને રમૂજ તદ્દન સ્વાભાવિપણે માણવાલાયક બની રહે છે. તેમણે યુકેમાં આપણા ગુજરાતીઓ અને વ્યાપક એશિયન કોમ્યુનિટીના ભલા, યાદી પણ ન બનાવી શકાય તેટલા ઉદ્દેશોની હિમાયત કરવા સાથે જે વિશાળ અસર સર્જી છે તે બધી તેમની નમ્રતામાં ઢંકાઈ જાય છે. હું સીબી અંકલ અને સમગ્ર ABPL પરિવારને આગામી વર્ષોમાં સતત સફળતા મળતી રહે તેવી શુભકામના વ્યક્ત કરું છું.

- મિહિર કે. પટેલ LL.M MBA

•••

વડીલશ્રી સીબી સાહેબ, હાઉસ ઓફ લોર્ડ્સમાં અદ્ભૂત સોનેરી સ્મૃતિગ્રંથના લોકાર્પણ નિમિત્તે આપને હાર્દિક અભિનંદન. હંમેશાંની માફક આપનું વક્તવ્ય અને અન્ય વક્તાઓનું સંબોધન ઘણું સારું હતું. તમે અમને સ્મરણયાત્રાએ લઈ ગયા. આ સમયાતીત ખજાનામાં મારા લેખનો સમાવેશ કરવા બદલ આપનો ખૂબ આભાર. આપની આ શુભચેષ્ટાથી હું ખૂબ સન્માનિત થયો છું, જે હંમેશાં મારા જીવનમાં સચવાયેલું રહેશે. પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો વચ્ચે બેસવાનું સદ્ભાગ્ય મને અને મારી દીકરીને મળ્યું છે. આ વિશ્વને ઉત્કૃષ્ટ સેવા આપી રહેલા આપના નેતૃત્વ તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની આપની સમગ્ર ટીમને મારા હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ કોમ્યુનિટીની સેવામાં સતત કાર્યરત છો ત્યારે આપના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્યની અમે પ્રાર્થના કરીએ છીએ.

- વિકેશ વણઝારા

•••

આ સુંદર ઈવેન્ટ માટે આપ સહુને હાર્દિક અભિનંદન. દર્શનીય સ્થળે ઈવેન્ટનું આયોજન ખરેખર અતુલનીય હતું અને દરેકને તેનાં હિસ્સો બની રહેવાનું ખૂબ ગમ્યું. સીબી પટેલજીની વિશિષ્ટ શૈલીને નિહાળવાનું ભારે આનંદદાયી રહ્યું. આવા સુંદર કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ આભાર.

 - લીના શાહ (જૈન નેટવર્ક)

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter