લંડનઃ સિટી હિન્દુઝ નેટવર્ક દ્વારા વાલ્ડોર્ફ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લંડન શહેરની એક પખવાડિયાની દિવાળી ઉજવણીનું સમાપન થયું હતું. આ વર્ષે તેની ૧૦ વર્ષગાંઠ પણ ઉજવી રહ્યું છે ત્યારે નવા ચેરમેન નીલ પટણી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ લોર્ડ જીતેશ ગઢિયા સહિત પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા રોજબરોજના જીવનને અસર કરતા મૂલ્યોનું મહત્ત્વ સમજાવતા પ્રવચનો કરાયાં હતાં.
લોર્ડ જીતેશ ગઢિયાએ શ્રદ્ધાથી મૂલ્યોનું સર્જન થાય છે અને તે સફળતા મેળવી આપે છે તેમ જણાવી વર્તમાન શહેરી જીવનમાં હિન્દુત્વના મહત્ત્વના પાસા ઉજાગર કર્યા હતા. લોર્ડ ગઢિયા નેટવર્કની ૨૦૦૭માં સ્થાપના થઈ ત્યારથી સંસ્થા સાથે સંકળાયેલા છે. તેમણે નાણાકીય વિશ્વના ચડાવઉતારમાં પણ મૂલ્યોએ કેવી અસર કરી છે તે સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, શ્રદ્ધા અંગત બાબત છે અને બિઝનેસ કે પ્રોફેશનલ જીવનમાં ધાર્મિક માન્યતાઓનું સ્થાન મહત્ત્વનું ન હોવું જોઈએ તેમ હું માનું છું. પરંતુ, શ્રદ્ધાની સાથે મૂલ્યો આવે છે અને હિન્દુ સંસ્કૃતિ સમયની કસોટીમાંથી પાર ઉતરેલાં માનવીય મૂલ્યોથી ગુંથાયેલી છે.
CHNના નવા ચેરમેન નીલ પટણીએ ‘નેટવર્ક’ વિશે સમજાવતા કહ્યું હતું કે પ્રેરણાદાયી લોકો સાથે હળવામળવાથી નવા વિચારો અને જીવન વિશે જાણવા મળે છે. બાંગલાદેશમાં જન્મેલા બ્રિટિશ રાજકીય કર્મશીલ અને જર્નાલિસ્ટ દિયા ચક્રવર્તી, ટેક્સપેયર્સ એલાયન્સના પૂર્વ પોલિટિકલ ડાયરેક્યર અને ગાયક સિન્ધુ વી, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મનોજ લાડવા અને શીના પટેલે પણ વક્તવ્યો આપ્યાં હતાં. નિષ્મા ગોસરાની પેનલ ચર્ચાના હોસ્ટ રહ્યાં હતાં.


